(એજન્સી) તા.રપ
આર્થિક સર્વેના ચેપ્ટર સાતમા ખેતી વિશે જે વાત કહેવામાં આવી છે તે મુજબ ર૦૧૪-૧પમાં રાષ્ટ્રીય આવકમાં ખેતીનું યોગદાન ૧૮.ર ટકા હતું. જે ર૦૧૯-ર૦માં ઘટીને ૧૬.પ ટકા રહી ગયું છે. ર૦૧૪-૧પથી લઈને આજ સુધી જોઈએ તો ખેતીમાં વિકાસ દર પહેલાની જેમ નથી. ર૦૧૬-૧૭માં ખેતીનો મહત્તમ વિકાસ દર ૬.૩ ટકા નોંધાયો હતો. જે ર૦૧૯-ર૦માં ઘટીને ર.૮ ટકા રહી ગયો. ખેડૂતોની આવક કેટલી છે તેનો નવો ડેટા નથી. ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ર૦૧પ-૧૬ પછી ખેડૂતોની સરેરાશ આવકનો ડેટા આવવાનો બંધ થઈ ગયો છે. વર્ષ ર૦૧૯માં રાજ્યસભામાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે હરિયાણાના ખેડૂતોની આવક સૌથી વધુ છે. તેમની એક મહિનાની આવક ૧૪,૪૩૪ રૂપિયા છે. આર્થિક સર્વે મુજબ વિશ્વ કૃષિ વેપારમાં ભારતનું યોગદાન લગભગ ર.૧પ ટકા છે. ભારતીય કૃષિ નિકાસના મુખ્ય ભાગીદારોમાં સંયુક્ત રાજ્ય અમેરિકા, સઉદી અરબ, ઈરાન, નેપાળ અને બાંગ્લાદેશ સામેલ છે. વર્ષ ૧૯૯૧થી આર્થિક સુધારાઓની શરૂઆતથી ભારત કૃષિ ઉત્પ્મદનોની નિકાસને સતત જાળવી રાખી છે. જેણે નિકાસ દ્વારા ર.૭ લાખ કરોડ રૂપિયાનો આંકડો મેળવી લીધો છે તેમજ વર્ષ ર૦૧૮-૧૯માં ૧.૩૭ લાખ કરોડ રૂપિયાની આયાત કરી છે. કેન્દ્ર સરકાર સરકારના હાલમાં લાવેલા ત્રણ ખરડાનો ખેડૂત મોટા પાયા પર વિરોધ કરી રહ્યા છે. સરકાર આ ખરડાઓને ખેડૂત હિતેચ્છુ બતાવી રહી છે. જ્યારે ખેડૂતોનું કહેવું છે કે તેનાથી ખેડૂતોને નુકસાન થશે. ખેડૂતોને આશંકા છે કે તેમને પોતાના પાકનું ન્યુનતમ સમર્થન મૂલ્ય પણ નહીં મળી શકે. વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે જ્યારે તે સત્તામાં હતા ત્યારે તેમણે તેમની પર કાયદો કેમ બનાવ્યો નહીં.