(એજન્સી) નવી દિલ્હી, તા.૫
ટોચના મુસ્લિમ સંગઠન જમાતે ઇસ્લામી હિંદે દેશની બેંકોમાં તાજેતરમાં થયેલા કૌભાંડો અંગે વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. જમાતે કૌભાંડો અંગે સંયુક્ત સંસદીય સમિતીની તપાસની માગ કરતા કહ્યું હતું કે સરકાર ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવાના વાયદા પુરા કરવામાં નિષ્ફળ ગઇ છે. સંગઠનના મહાસચિવ મુહમ્મદ સલીમ એન્જિનિયરે કહ્યું કે, પીએનબી કૌભાંડમાં દેશે હજારો કરોડો રૂપિયા ગુમાવી દીધા છે. મુખ્ય આરોપી દેશ છોડીને ભાગી ગયો અને સરકાર કેન્દ્રીય બેંક અને બેંક ઓડિટર્સ પર આરોપ મુકી પોતાની જવાબદારીઓમાંથી છટકી રહી છે. સંગઠને આવી માગ કરી છે કે, સંસદીય સમિતી આ કૌભાંડની તપાસ કરે અને કેવી રીતે કૌભાંડ આચરાયું તે અંગે તપાસ કરી સરકાર હવે શું પગલાં લેશે તેની ખાતરી આપે. મુખ્ય આરોપીઓ નીરવ મોદી અને મેહૂલ ચોકસી દ્વારા પીએનબી કૌભાંડ આચરવા બદલ સરકાર પર પ્રહાર કરતા સલીમે કહ્યું કે, દેશના સૌથી મોટા બેંક કૌભાંડની અસર નાના કરદાતાઓને ભોગવવાનો વારો આવશે.વિદેશી રોકાણ અને જીડીપી તળિયે બેસી ગઇ છે. જમાતે આ સાથે જ સીરિયામાં બોમ્બમારા અને નિર્દોષ નાગરિકો પર હુમલા અંગે તાત્કાલિક યુદ્ધવિરામની માગ પણ કરી હતી. સંગઠનના પ્રમુખ મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમરીએ કહ્યું કે, ૬૫૦થી વધુ લોકો આ હુમલાઓમાં મોતને ભેટ્યા અને હજારો લોકો ઘવાયા છે તેનો અમને આઘાત લાગ્યો છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને શાંતિની અપીલ કરીએ છીએ.