(એજન્સી) તા.૧૬
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે ટિ્‌વટ કરીને રાફેલ ડીલ મામલામાં કેન્દ્ર સરકાર પર કારમો હુમલો કર્યો હતો. કેન્દ્ર સરકાર વિરૂદ્ધ કરવામાં આવેલ આ ટિ્‌વટમાં રાહુલ ગાંધીએ રાફેલની કિંમત પર સવાલ ઉઠાવ્યો છે અને ત્યાર બાદ લખ્યું છે કે, એક તરફ આર્મી આધુનિકરણ માટે પૈસા માગી રહી છે તો બીજી બાજુ કેન્દ્રએ રાફેલ ડીલ પર રૂા.૩૬,૦૦૦ કરોડ પોતાના ખીસ્સામાં નાખી દીધા છે.
રાહુલે ટિ્‌વટમાં લખ્યું છે કે, ડસાલ્ટ દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં સરકારના જૂઠાણાનો પર્દાફાશ થયો છે. પોતાના ટિ્‌વટમાં રાહુલ ગાંધીએ રાફેલ જેટ અને સીબીઆઇના દુરૂપયોગ અંગે એનડીએ સરકારની ઝાટકણી કાઢી છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટમાં જણાવ્યું હતુંુ કે, એનડીએ સરકાર પ્રત્યેક રાફેલ જેટ પર રૂા.૧૧૦૦ કરોડ વધારાના ચૂકવી રહી છે. રાહુલે ડસાલ્ટના વાર્ષિક અહેવાલને ટાકીને જણાવ્યું છે કે, રાફેલ વિમાન કતારને ૧૩૧૯ કરોડમાં વેચવામાં આવ્યું છે તો ભારતને મોદી સરકારમાં એક વિમાન માટે રૂા.૧૬૭૦ કરોડ ચૂકવવા પડી રહ્યા છે. રાહુલે એવું પણ લખ્યું છે કે, મનમોહન સરકાર વખતે આ વિમાન રૂા.૫૭૦ કરોડમાં મળતું હતું. આમ, ભારતે પ્રત્યેક વિમાન પર રૂા.૧૧૦૦ કરોડ એટલે કે, સમગ્ર ડીલ માટે અંદાજે રૂા.૩૬,૦૦૦ કરોડ વધુ ચૂકવવામાં આવી રહ્યા છે. આ રકમ આપણા ડિફેન્સ બજેટની લગભગ ૧૦ ટકા જેટલી થવા પામે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં ભારતનું ડિફેન્સ બજેટ રૂા.૩,૬૯,૦૦૦ કરોડ છે. આ આંકડાઓ સાથે રાહુલ ગાંધીએ ડસાલ્ટના રિપોર્ટની તસવીર શેર કરીને લખ્યું છે કે, બીજી તરફ ભારતીય સેનાને આધુનિકરણ માટે ભીખ માગવી પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સરકારે ફ્રાંસ સ્થિત ડસાલ્ટ એવિએશન સાથે ૩૬ રાફેલ જેટ ખરીદવાની ડીલ કરી છે. રાફેલ પર રાહુલ ગાંધીએ પ્રથમવાર હુમલો કર્યો છે એવું નથી. ફેબ્રુઆરીમાં પણ તેમણે આ ડીલ પર ૮ પ્રશ્નો પૂછ્યા હતા અને એવો આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ડીલ બદલવા માટે રૂબરૂ પેરિસ ગયા હતા.
સીબીઆઇનો દુરૂપયોગ
એક બીજા ટિ્‌વટમાં રાહુલ ગાંધીએ વિરોધ પક્ષોને નિશાન બનાવવા માટે સીબીઆઇનો દુરૂપયોગ કરવા બદલ એનડીએ સરકારની ઝાટકણી કાઢી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે વિરોધ પક્ષના મહત્ત્વના નેતાઓને ધમકાવવા અને હેરાન કરવા માટે સીબીઆઇનો ઉપયોગ કર્યો છે. પોતાના ટિ્‌વટમાં રાહુલ ગાંધીએ એવું પણ પૂછ્યું છે કે, હવે પીએમ મોદી કોને નિશાન બનાવશે ?