(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
સત્તાધારી ભાજપ વિરૂદ્ધ વિપક્ષને એકજૂથ કરવાના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પ્રયત્નો બાદ હવે ચંદ્રબાબુ નાયડુએ પણ એ જ પથ અપનાવ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ નાયડુ મોદી સરકારને સત્તા બહાર કરવા માટે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોનો સંપર્ક કરવાના પ્રયત્નમાં છે. નાયડુ કોંગ્રેસ વિરોધી પક્ષ લેનાર માયાવતીને પણ પરત લાવવાના પ્રયત્નમાં છે. વિપક્ષ ફ્રંટમાં નાયડુનો પ્રવેશ તાજેતરમાં જ થયો છે. કારણે આંધ્રને વિશેષ દરજ્જા મુદ્દે ભાજપે ધોકો આપ્યો હોવાનો આરોપ મૂકી તેઓ માર્ચમાં જ એનડીએમાંથી બહાર થયા છે. સૂત્રોનું માનીએ તો હવે નાયડુ વિપક્ષ ફ્રંટને મજબૂત કરવા સતત કામ કરી રહ્યા છે. તેઓ વિપક્ષી એકતાનું નેતૃત્વ કરવાને બદલે નેતૃત્વ ઊભું કરી પીઠબળ ભૂમિકા નિભાવશે.
નાયડુએ પાડોશી રાજ્ય તેલંગાણામાં પણ પોતાની રાજનૈતિક સૂઝબૂઝ વાપરીને પહેલાં સીપીઆઈ અને તેલંગાણા જનસમિતિ જેવા નાના દળોને સાથે લીધા. ત્યારબાદ રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર દબાવ બનાવ્યો કે તે મહાગઠબંધનમાં સામેલ થઈ ૭ ડિસેમ્બરના રોજ થનાર ચૂંટણીમાં ચંદ્રશેખર રાવને હરાવવા સાથે આવે. ર૦૧૯માં પણ આ જ સૂત્રનું પુનરાવર્તન કરવામાં આવું તેવી શક્યતા છે. બેંગ્લુરૂમાં જેડીએસ-કોંગ્રેસ સરકારના ગઠન બાદ કુમાર સ્વામીના શપથગ્રહણમાં હાજરી આપી. નાયડુએ વિપક્ષી એકતાને સમર્થન આપ્યું હતું. નાયડુએ મમતા બેનર્જી, ડીએમકે ચીફ સ્ટાલિન, દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલ અને અન્ય ડાબેરી પક્ષોને સાથે લાવવામાં સફળતા મેળવી છે.