(એજન્સી) તા.૧૬
જ્યારે તેઓ પ્રથમ વખત ૨૦૧૪માં સંસદમાં વરાયેલા વડા પ્રધાન તરીકે પ્રવેશ્યા ત્યારે નરેન્દ્ર મોદીએ સંસદના દ્વારે પોતાનું મસ્તક નમાવીને લોકતંત્રના મંદિર પ્રત્યે ભારે આદર વ્યક્ત કર્યો હતો. પરંતુ હવે આ ઘટના જાણે કોઇ થિયેટરનો એક નમૂૂનો હોય એવી લાગે છે કારણ કે મોદીએ જેટલી હદે સંસદની ઉપેક્ષા કરી છે એટલી હદે કોઇ ભારતીય વડાપ્રધાને ઉપેક્ષા કરી નથી. સરેરાશ તેઓ સંસદમાં એક વર્ષમાં ૩.૬ વખત અને છ વર્ષમાં ૨૨ વખત બોલ્યાં છે. તેની સામે અટલબિહારી વાજપેયી છ વર્ષમાં સંસદમાં ૭૭ વખત બોલ્યાં હતાં અને મનમોહનસિંહ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે પોતાના ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન ૪૮ વખત બોલ્યાં હતાં. આ આંકડા બતાવે છે કે મોદી સરકાર હેઠળ લોકસભા અને રાજ્યસભા જુસ્સાદાર ચર્ચા માટે મહત્વના સ્થળ તરીકે હવે રહ્યાં નથી.
પરિભાષાની દૃષ્ટિએ જોઇએ તો સંસદ એ ટીકા, ચર્ચા વિચારણા અને સર્વાનુમતિ અને સર્વસંમતિનો મંચ છે. સંસદ એ લોકતંત્રના પ્રતિકસમાન છે. સંસદની ઉપેક્ષા કરવા મોદી સરકારે વટહુકમનો માર્ગ અવારનવાર પસંદ કર્યો છે. મોદી સરકાર હેઠળ વટહુકમની સરેરાશ સંખ્યા મનમોહનસિંહ હેઠળ ૬ની હતી તે વધીને ૧૧ પર પહોંચી ગઇ છે. આમ લોકસભા અને રાજ્યસભા હવે ચર્ચાના મંચ તરીકે સંપૂર્ણપણે મટી ગયાં છે.
સંસદીય સમિતિઓને રીફર કરવામાં આવતાં વિધેયકોની સંખ્યા પણ ૧૫મી લોકસભામાં ૬૮ હતાં તે ઘટીને ૧૬મી લોકસભામાં ૨૪ પર આવી ગઇ અને ૨૦૨૦માં આ સંખ્યા શૂન્ય પર પહોંચી ગઇ છે. અગાઉ સંસદીય સમિતિઓ અસરકારક રીતે વિધેયકમાં સુધારા કરતી હતી અને સાંસદોને કાયદો કઇ રીતે બનાવવો તેની તાલીમ આપવામાં આવતી હતી.
જ્યારે હવે મહત્વના વિધેયકો સંસદીય સમિતિઓને રીફર કરવામાં આવતાં નથી. છેલ્લે ૨૦૧૫માં એક વિધેયક સંયુક્ત સંસદીય સમિતિને રીફર કરાયું હતું. બીજુ મહત્વના ખરડાઓ મની બિલ તરીકે પાસ કરવામાં આવ્યાં છે. ભલે આ ખરડાઓ આ કેટેગરીમાં આવતાં નથી. બીજું સામાન્ય બિલ પર વધુ પડતી ચર્ચા થઇ શકતી નથી કારણ કે આ બિલની ટેક્સ્ટ સાંસદોને છેલ્લી ઘડીએ આપવામાં આવે છે અને ચર્ચા માટે ભાગ્યે જ કોઇ સમય હોય છે.
Recent Comments