(એજન્સી) તા.૪
મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ વર્ષ પૂરૂં થવા પર પ્રતિક્રિયા આપતાં વેલફેર પાર્ટી ઓફ ઈન્ડિયાએ મંગળવારે કહ્યું હતું કે, આ ખરેખર વિનાશક અને દિશાહીન કરનારૂં હતું. તેમણે કહ્યું કે, મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ વર્ષ જુલમી અને અરાજકતાથી ભરપૂર હતું.
વેલફેર પાર્ટી ઓફ ઈન્ડિયાએ વધુમાં મોદી સરકાર પર આરોપ મૂક્યો હતો કે, આ સરકારે ફક્ત મુસ્લિમ વિરોધી એજન્ડાને જ પ્રાધાન્ય આપ્યું અને તેને અમલી બનાવ્યો. મોદી સરકારે તેના શાસનના એક વર્ષમાં જ બંધારણનો દરજ્જો પણ જાણે ઘટાડી દીધો હતો અને તેને વધારે પ્રાધાન્ય કે માન્યતા આપી નહોતી.
પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. એસ.ક્યૂ.આર. ઈલ્યાસે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે પહેલી ટર્મમાં ન્યાયપાલિકા, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન, ધ સેન્ટ્રલ વિઝિલન્સ કમિશન અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓને નુકસાન પહોંચાડ્યું અને તેમને નબળા પાડી દીધા.
જો કે, બીજી ટર્મના પહેલા વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સીધે સીધા મુસ્લિમ વિરોધી એજન્ડાને અમલી બનાવીને મુસ્લિમો પર પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી. તેઓ એક સરમુખત્યાર તરીકે આગળ વધ્યા અને બંધારણને પ્રાધાન્ય આપ્યું જ નહીં.
આ સમયગાળા દરમિયાન પસાર થયેલા કાયદાઓની યાદીને હાઈલાઇટ કરતાં તેમણે કહ્યું કે, સરકારે ફક્ત તેના સર્વાધિકારવાદી તથા બહુમતીવાદનો ફાયદો લીધો અને કોઈની સાંભળી નહીં. ત્રણ તલાક બિલ મુસ્લિમો વિરૂદ્ધ જ પસાર કરાયો. તેના માધ્યમથી મુસ્લિમ પતિઓને ક્રિમિનલ બનવા તરફ આગળ વધાર્યા.
કલમ ૩૭૦ રદ કરીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો છીનવી લીધો, તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી નાખ્યો. અહીં લોકશાહી મુજબ ચૂંટાયેલા નેતાઓને પણ મહિનાઓ સુધી અટકાયતમાં લઈ લીધા. ઈન્ટરનેટ, મોબાઇલ સેવા જેવી જરૂરિયાતની વસ્તુઓ પણ બંધ કરીને નાગરિકોને મહિનાઓ સુધી મુશ્કેલીમાં નાખ્યા.
ડૉ. ઈલ્યાસે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીની ૨.૦ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે અને દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં પણ અસહિષ્ણુતા વધી રહી છે. આ કારણે જ દેશની છબિ વૈશ્વિક સ્તરે બગાડી દેવામાં આવી છે.