(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
દેશમાં સતત ૧૮મા દિવસે ઇંધણોની કિંમતમાં વધારો કરવાને કારણે રાષ્ટ્રીય પાટનગરમાં પ્રથમવાર પેટ્રોલ કરતા ડીઝલની કિંમત વધી ગઇ છે. દેશમાં પ્રથમવાર પેટ્રોલ કરતા હવે ડીઝલ મોંઘુ થયું છે. યુપીએ સરકાર વખતે મોંઘવારી અને ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને ભાજપ દ્વારા દિલ્હીની સડકો પર ભારે વિરોધ કરાતો હતો. પરંતુ અનલોક-૧માં મોદી સરકારે આજે સતત ૧૮મા દિવસે પેટ્રોલ અને ડિઝલમાંથી પેટ્રોલને બાકાત રાખીને માત્ર ડિઝલ પર ૪૮ પૈસાનો વધારો કરતાં તે સાથે જ બળતણ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો હતો. જેમાં દેશમાં પહેલીવાર પેટ્રોલ કરતાં ડિઝલ મોંઘુ થયું હતું. દિલ્હીમાં આજે ડિઝલનો ભાવ રૂ. ૭૯.૮૮ પ્રતિ લિટર હતો. જ્યારે પેટ્રોલનો ભાવ રૂ. ૭૯.૭૬ રૂપિયા જોવા મળ્યો હતો, સામાન્ય રીતે અત્યાર સુધી બળતણના ભાવ ક્ષેત્રે એવુ જોવા મળતું હતું કે પેટ્રોલ અને ડિઝલના ભાવની વચ્ચે ૫ કે ૧૦ રૂપિયાનું અંતર રહેતું હતું. એકતરફ સમગ્ર દેશ કોરોના મહામારીની ગંભીર અસર હેઠળ છે અને તેની સામે લડી રહ્યું છે, લાંબા લોકડાઉનને કારણે હજુ અર્થતંત્રની ગાડી પાટા ઉપર આવી નથી, બીજી તરફ મોંઘવારીના મારે લોકોના હાલ બેહાલ કર્યા છે. ત્યારે મોદી સરકારમાં સરકારી ઓઇલ કંપનીઓએ પોતાની તિજારી ભરવા માટે બળતણના ભાવમાં એકધારો વધારો શરૂ કર્યો છે. જેમાં આજે બુધવારે બે મુખ્ય બળતણમાંથી માત્ર ડીઝલના ભાવમાં સતત ૧૮માં દિવસે વધારો કરાયો છે. ૧૭ દિવસના વધારા બાદ આજે પેટ્રોલના ભાવમાં વધારો નથી થયો. પરંતુ બુધવારે ડીઝલના ભાવ ૪૮ પૈસા વધ્યા છે. આ સાથે દિલ્હીમાં એક લિટર ડીઝલના ભાવ ૭૯.૮૮ રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે. આ વધારા સાથે હવે દેશના ઇતિહાસમાં પહેલીવાર ડીઝલ, પેટ્રોલથી પણ વધું મોંઘું થયું છે. આજના ભાવવધારા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨ પૈસાનો તફાવત રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પેટ્રોલ-ડીઝલમાં સતત થઈ રહેલ ભાવવધારાને પગલે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
સતત ભાવ વધારો ઝીંકીને ઓઈલ કંપનીઓ તીજોરી છલકાવી રહી છે. છેલ્લા ૧૮ દિવસથી ભાવવધારાથી સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. પેટ્રો પેદાશો પરની એક્સાઈઝ ડ્યૂટી વધારીને સરકાર પણ લોકો પર ભાવવધારાનો કોરડો વીંઝી રહી છે. ઓઈલ કંપનીઓએ જૂન ૨૦૧૭થી બંન્ને પેટ્રો પેદાશોના ભાવમાં દરરોજ વધઘટ કરવાની શરૂઆત કર્યા પછી તેમાં સૌથી મોટો વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, અન્ય દેશોમાં સામાન્ય રીતે ડીઝલના ભાવ પેટ્રોલ કરતા વધુ હોય છે. જેનું મુખ્ય કારણ એ હોય છે કે તેનો ઉત્પાદન ખર્ચ પેટ્રોલની સરખામણીએ વધારે હોય છે. પરંતુ ભારતમાં સરકારે અત્યાર સુધી સબ્સિડી અને ટેક્સના માધ્યમથી આને સસ્તું રાખવાનો પ્રયાસ કર્યો છે. કારણે કે ખેતી, ટ્રાન્સપોર્ટ અને વીજળી જેવા જરૂરી કામોમાં ડિઝલનો ઉપયોગ વધુ થાય છે.
ઉલ્લેખનીય છે કે મે, ૨૦૧૭ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દર પંદર દિવસે વધારો કરવામાં આવતો હતો. પરંતુ ત્યારબાદ ઓઇલ કંપનીઓ દ્વારા દૈનિક ધોરણે ભાવવધારો કરવામાં આવે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સાત જૂનથી દૈનિક ધોરણે ભાવમાં ફેરફાર કરવાનું શરૂ કર્યુ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવે છે પણ દરેક રાજ્યમાં વેટનો દર અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળે છે. આ અગાઉ દિલ્હીમાં ડીઝલનો સૌથી વધુ ભાવ ૧૬ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ૭૫.૬૯ રૂપિયા હતો. જ્યારે પેટ્રોલનો સૌથી વધુ ભાવ ચાર ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ૮૪ રૂપિયા હતો.

ડીઝલના ભાવ વધી જતાં શું અસર થશે?

ડીઝલની કિંમતોમાં વધારો થતા ચારેકોરથી અસર થશે. આનાથી ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધશે તેથી મોંઘવારીમાં વધારો થશે. ત્યારે જનતા પર મોંઘવારીનો બમણો માર પડશે. ઉપરાંત ઓટો સેક્ટરના વેચાણ પર પણ ઘણી ગંભીર અસર થશે.

૭ જૂનથી અત્યાર સુધી ડીઝલ ૧૦.૮૮ રૂપિયા મોંઘું થયું

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઇઓસી)ના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ડિઝલની કિંમત ૭૯.૪૦ રૂપિયાથી વધીને ૭૯.૮૮ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ૭ જૂનથી સતત વધી રહ્યાં છે. આ ૧૮ દિવસમાં પેટ્રોલ ૮.૫૦ રૂપિયા અને ડિઝલ ૧૦.૪૮ રૂપિયા મોંઘુ થયું છે.