અમદાવાદ,તા.૧૭
શહેરના સરદારનગર વિસ્તારમાં બે મહિના અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. જો કે, હત્યાનો બનાવ કેવી રીતે બન્યો તે જાણીને કોઈ પણ ચોંકી જાય. કેમ કે એક મોબાઈલ લૂંટવા માટે કિશોરે એક વ્યક્તિનું માથું ધડથી અલગ કરી દીધું હતું. ક્રાઈમ બ્રાંચે કિશોરને ઝડપી પાડતા લૂંટ વિથ મર્ડરના ગુનાનો પર્દાફાશ થયો છે. તેમજ કિશોર સામે એક વર્ષમાં મારામારી અને મોબાઈલ ચોરીના આઠથી વધુ ગુના નોંધાયેલા છે.
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ગત ૧૯ ઓક્ટોબરના રોજ દિનેશ રામચંદાણી નામના વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ હત્યા બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. કારણ કે, દિનેશને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી અને સાથો સાથ છરીથી ગળું પણ કાપી નાખ્યું હતું. સરદારનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પરંતુ કોઈ કડી હાથ લાગી ન હતી, પરંતુ ઘટનાની ગંભીરતા જોઈ શહેર પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાંચને કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો અને આદેશ બાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડી.બી. બારડની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સાથો સાથ સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરી હતી. આખરે છેલ્લા ઘણા દિવસોની મહેનત બાદ ક્રાઈમ બ્રાંચને સફળતા હાથ લાગી ગઈ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ઝડપી પાડવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, પોલીસે જ્યારે પૂછપરછ શરૂ કરી ત્યારે જાણવા મળ્યુ કે, આરોપી કિશોરે મોબાઈલની લૂંટ માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી મરનારને નાલંદા વિદ્યાલય પાસે આવેલ ઝાડી વાળા ખુલ્લા મેદાનમાં લઈ ગયો હતો અને તેને માર મારી મોબાઈલની લૂંટ કરવાની કોશીશ કરી હતી, પરંતુ મરનારે વિરોધ કરતા આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી દીધો હતો અને હત્યા કર્યા પછી મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. આરોપીએ લૂંટનો મોબાઈલ પોતાના મિત્રને વેંચી દીધો હતો, પરંતુ તેના મિત્રએ રૂપિયા ન આપતા તેણે મોબાઈલ પરત લઈ લીધો હતો. આ મામલે ક્રાઈમ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર બી.વી.ગોહિલનું કહેવું છે કે, આરોપી કિશોર સામે છેલ્લા એક વર્ષમાં મારામારી અને મોબાઈલ ચોરીના ૮થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. હાલ ક્રાઈમ બ્રાંચ આરોપીને સરદારનગર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.