મોરબી, તા.૮
લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોને પોતાના વતન જવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંકલન કરી શ્રમિકોને પોતાના વતન જવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. ગઇ કાલે મોરબી થી ઝારખંડના શ્રમિકોને લઇ જતી ટ્રેનમાં ૧૨૦૦ જેટલા શ્રમિકોને પોતાના વતન જવા માટે વિદાય આપવામાં આવી હતી. આજે બીજા દિવસે મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના વડપણ હેઠળ મોરબી થી ઉત્તરપ્રદેશ જવા માટે બે ટ્રેન રવાના કરવામાં આવી હતી.
મોરબીમાં વિવિધ ફેક્ટરી અને ઉદ્યોગગૃહોમાં મજૂરી કરતાં મજૂરોને પોતાના વતન જવા માટે આજે સવારે મોરબી રેલવે સ્ટેશનેથી ૧૨૦૦ શ્રમિકોને લઈને વારાણસી જવા રવાના થઈ હતી. જ્યારે બીજી ટ્રેન ઉત્તર પ્રદેશના કાનપુરમાં જવા માટે પણ ૧૨૦૦ જેટલા શ્રમિકોને લઇને રવાના થઇ હતી. આમ આજે મોરબી થી ઉત્તરપ્રદેશ ૨૪૦૦ જેટલા શ્રમિકોને ટ્રેન મારફત પોતાના વતન ભણી મોકલી આપવામાં આવ્યા હતા. આ બન્ને ટ્રેનોમાં સવાર શ્રમિકોના રેલવે સ્ટેશન પર મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર અને વહિવટી તંત્ર ખડે પગ રહ્યું હતું. આ તકે જિલ્લા કલેકટર જે.બી.પટેલ, અધિક કલેકટર કેતન પી. જોશી, જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મામલતદાર ડી.જે. જાડેજા તથા અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.