મોરબી, તા.ર૦
મોરબીમા છેલ્લા દશેક દિવસથી મહેન્દ્રપરા વિસ્તારની શેરીઓમા દુકાનોમાં અને ઘરમાં ગટરના ગંદાપાણી ફરી વળ્યા છે. ત્યારે આ અંગે લતાવાસીઓએ પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતા નિંભર પાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે આ વિસ્તારમાં ગટરના દુર્ગંધ મારતા ગંદાપાણીથી લતાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પાલિકાતંત્ર પર ચોમેર ફિટકાર વરસી રહ્યો છે.
હાલે શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો હોય ત્યારે લતાવાસીઓને મંદિરે જવુ પણ મુશકેલ બન્યું છે અને નાના ભૂલ્કાઓને શાળાએ જવામાં પણ મહા મુસીબતોનો સામનો કરવો પડે છે તેમજ હાલે ગટરના પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને પણ મજબૂરીથી ગટરના પાણીમાં પોતાના ઘર ગુજરાન ચલાવવા દુકાનો ખૂલ્લી રાખી વેપાર ધંધો કરવાની નોબત આવી છે. ત્યારે આવી નર્કાગાર જેવી હાલતમાં રહીને લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ખરેખર નગરપાલિકા તંત્ર પ્રજાને સુવિધા આપવામાં નિષ્ફળ નિવડ્યું છે અને પાલિકાના ચીફ ઓફિસરને પણ મોરબીની પ્રજાના પ્રશ્નો હલ કરવામાં બિલકુલ રસનો હોય તેવું સ્પષ્ટ જણાય રહ્યુું છે જેથી પાલિકામાં ગીરીશ સરૈયા ઉત્સાહી ચીફ ઓફીસરની જરૂરિયાત હોવાની લતાવાસીઓએ માગણી કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, જો વિસ્તારમાં ગટરના ગંદાપાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે તો પાલિકામાં ગટરના પાણી ઠાલવી તાળાબંધી કરાશે તેવી ચિમકી લતાવાસીઓએ આપી હતી.