મોરબી, તા.૨૩
મોરબીના રફાળેશ્વર ગામે ફરિયાદનો ખાર રાખી વૃદ્ધ માતા પુત્ર-પુત્રી પર લાકડી પાઈપથી કૌટુંબિક સગાએ હુમલો કર્યો હતો.
અગાઉ પણ વૃદ્ધાને માર મારી મકાન ખાલી કરાવા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના ત્રાસથી કંટાળી વૃદ્ધા અને તેની પુત્રીએ ફરિયાદ કરતા તેનો ખાર રાખી મારમારીમાં મહિલા સહિત પાંચ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા હતા.
મોરબી વાંકાનેર હાઈવે પર આવેલા રફાળેશ્વર ગામે રહેતા શાંતાબેન અમરશીભાઈ જાદવ (ઉ.વ.૬૦) તેના મકાનમાં રહે છે. તે મકાન ખાલી કરાવવા વૃદ્ધાની પુત્ર વધુ સહિતના લોકો વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી આ અંગે શાંતાબેને વૃદ્ધ વિકાસની ઓફિસે તેમજ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદ કેમ કરી તેમ કહી લાકડી પાઈપથી પુત્ર વધુ સહિતના લોકો તૂટી પડયા હતા. બંને વચ્ચે કૌટુંબિક સગા વચ્ચે મારામારી થતા વૃદ્ધ શાંતાબેન જાદવ તેનો પુત્ર દિલીપ જાદવ મંજુબેન ચાવડા અને એક આઠ વર્ષના બાળકને ઈજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બંને વચ્ચે મારામારીમાં સામાપક્ષે બે વ્યક્તિઓને ઈજાઓ થતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. મોરબી તાલુકા પોલીસે બંનેની પોલીસ ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી વધુ તપાસ ચલાવી છે.