મોરબી,તા.રપ
મોરબીના વજેપર વિસ્તારમાં આધુનિક સાધન સુવિધાથી સુસજ્જ વેટરનરી પોલિક્લિનિક બનાવવા માટે વખતો વખતની રજૂઆતો બાદ જમીન ફાળવણી તેમજ બજેટરી જોગવાઈ સાથે વહીવટી મંજૂરી મળી હોવાનું જણાવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ કામ વિના વિલંબે ચાલુ થાય તે માટે પશુપાલન નિયામક તેમજ માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરના સંકલનમાં મજકૂર વેટનરી પોલિક્લિનિકના નકશા અંદાજો તૈયાર કરીને તેને સત્વરે મંજૂરી મળે તે માટે સઘન ફોલોઅપની કામગીરી કરી છે. જેની ફળશ્રુતિ રૂપે ટૂંક સમયમાં મોરબીના ખેડૂતો અને પશુપાલકોને તેમના પશુઓ માટે અદ્યતન સારવાર મળી રહે તે માટે વેટનરી પોલિક્લિનિકની સુવિધા ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે ધારાસભ્યની સતવારા વાડી વિસ્તારના લોક સંપર્ક દરમ્યાન આ બાબતની રજૂઆત થતાં એમણે ગાંધીનગર સચિવાલય કક્ષાએ વેટનરી પોલિક્લિનિકનું કામ ચાલુ થાય તેવો ભારપૂર્વક આગ્રહ સેવ્યો છે. આમ, લાંબા સમયથી મોરબીને આધુનિક હાઈટેક વેટનરી પોલિક્લિનિકની જિલ્લા કક્ષાની સુવિધાની જે માંગણી હતી તે હવે સંતોષાશે. સાથોસાથ રૂા.બે કરોડની ફાળવણી અપૂરતી હોય વધુ બે કરોડ રૂપિયા પણ બજેટરી જોગવાઈ મુજબ ફાળવી દેવા જોઈએ તેવી પણ માંગણી કરીને ધારાસભ્યએ એમ જણાવ્યું છે કે, જ્યારે જમીન પણ સંપાદન થઈ ગઈ છે અને બીજી કોઈ પણ અડચણો નથી ત્યારે પૂરેપૂરી રૂા. ચાર કરોડની ગ્રાન્ટ ફાળવીને આ વેટનરી પોલિક્લિનિક સત્વરે કાર્યન્વિંત થાય તે ખૂબ જરૂરી છે. આમ પશુ ચિકિત્સા સહાય સુધારણા હેઠળ મોરબી ખાતે વેટનરી પોલિક્લિનિકના નવીન મકાન બાંધકામની આનુષાંગિક કામગીરી સત્વરે હાથ ધરાશે. જેનો લાભ મોરબી વિસ્તારના પશુપાલકો અને ખેડૂતોને સાંપડશે.વધુમાં ધારાસભ્યએ માળિયા (મિં) તાલુકાના નાની બરાર ગામે સરકારી હાઈસ્કૂલના નવા મકાન માટે બજેટમાં ફાળવણી કરાવીને આ કામ સત્વરે ચાલુ થાય તે માટે સતત ફોલોઅપ કરતાં હાલ કામના નકશા અંદાજો તૈયાર થતાં નાની બરાર ગામની સરકારી હાઈસ્કૂલને અદ્યતન મકાનની સુવિધા પણ સાંપડશે.