મોરબી, તા.૧૧
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટી (કે.જી.એન પાર્ક)માં ગતમોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં આ સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવીને તેમાંથી અંદાજે રૂા.૯ લાખની કિંમતી માલમતાની ઘરફોડ ચોરી કરી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટી (કે.જી.એન પાર્ક)માં રહેતા અને નગરપાલિકાના પૂર્વ કર્મચારી હાસમભાઈ ઉંમરભાઈ રાઉમા (ઉ.વ.૬૧) નામના વૃદ્ધ રીક્ષા ચાલવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ હાસમભાઈ રાઉમા ચાર દિવસથી કામસર બહારગામ ગયા હતા. આથી, ગતરાત્રે તેમના પુત્ર અને પુત્રી તેમનું મકાન બંધ કરીને બાજુમાં રહેતા ફઈબાના ઘરે સુવા ગયા હતા. પાછળથી વૃદ્ધના બંધ રહેલા મકાનમાં તસ્કરો ખાબકયા હતા અને આ મકાનમાંથી તસ્કરો અંદાજે સાડા સાત તોલાના સોનાના દાગીના અને બે કિલો ચાંદી મળીને અંદાજે રૂા.૬ લાખના દાગીના તથા રૂા.૩ લાખ રોકડા મળીને કુલ રૂા.૯ લાખની કિંમતી માલમતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જેમાં તસ્કરોએ તેમના મકાનમાં બહારથી નકુચો તોડીને આ ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.
આ બનાવમાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા છે. આ ચોરીના બનાવની જાણ થતાં એ ડિવિઝન પીઆઇ ચૌધરી તથા સ્ટાફ અને એલસીબી પીઆઇ વી.બી.જાડેજા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે.