મોરબી, તા.ર૦
તાજેતરમાં મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠકમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આગોતરા પ્રશ્નો મોકલીને માગણી કરી હતી કે મોરબીના સામાકાંઠાનો ઉતરોત્તર વધી રહેલો વિકાસ તેમજ સિરામિકની ફેક્ટરીઓને જોતાં સામકાંઠે ફાયર સ્ટેશન હોવું જોઈએ. જેથી કરીને ઈમરજન્સીમાં આગ જેવા બનાવો બને ત્યારે અગ્નિશામક સુવિધા આ વિસ્તારના લોકોને તાત્કાલિક ઉપલબદ્ધ કરાવી શકાય. તદુપરાંત નર્મદાની પાવળિયારી કેનાલ જીવાપર પાસે રિપેરિંગ કરવા, ટિંબડી ગામને નર્મદાની સિંચાઈનું પાણી મળે તે માટે ઘુંટૂ ખાતે સંપ બનાવવા, ધરમપુરનો જૂનો બંધ થયેલો બસ રૂટ પુનઃ ચાલુ કરવા, મોરબી-બગસરા વાયા નાના ભેલા બસ રૂટની અનિયમિતતા દૂર કરી અગાઉના સમય મુજબ નિયમિત બસ સુવિધા ચાલુ રહે તેમ કરવા, મોરબી શહેરના માધાપર, વાવડી રોડ, ગાંધી ચોક રોડના ખાડા પૂરી રીપેર કરવા, રેલ્વે સ્ટેશનથી પરશુરામધામ જતાં રસ્તામાં પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરી પુરી કરવા રજૂઆત કરી હતી. ઉપરાંત માળિયા (મિં) ખાતે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને વિશ્વામ ગૃહ જેવી સુવિધા સાથે નવું તાલુકા સેવા સદન બાંધવા ખાસ માગણી કરી હતી. તેમજ માળિયા (મિં) નગરપાલિકાના ર૧ જેટલા રસ્તાઓની તાંત્રિક મંજૂરી આપવા પણ માંગણી કરી હતી.