મોરબી, તા.૧પ
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આરોગ્ય ખાતું સંભાળતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિત પત્ર પાઠવીને એવી માગણી કરી છે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં મેડિકલ કોલેજની સુવિધા મળેલ છે. એક માત્ર મોરબી જિલ્લો મેડિકલ કોલેજની સુવિધાથી વંચિત રહી જવા પામ્યો છે. આ અંગે અગાઉ પણ વખતો-વખત રજૂઆતો કરવા છતાં મોરબીને મેડિકલ કોલેજની સુવિધા હજુ સુધી પ્રાપ્ત થયેલ નથી. તે અન્વયે પુનઃ વિગતે રજૂઆત કરીને આગામી બજેટમાં મોરબીને મેડિકલ કોલેજ માટે જરૂરી પ્રાવધાન કરવામાં આવે તેવો પુનઃદૃઢોચાર ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વ્યક્ત કર્યો છે. તદુપરાંત મોરબીની હાલની સરકારી હોસ્પિટલમાં સત્વરે ખુટતા તજજ્ઞ ડોક્ટરો સહિતના મેડિકલ અને પેરા મેડિકલની જગ્યાઓ ભરવામાં આવે તેવી માગણી પણ કરી છે.
વધુમાં બ્રિજેશ મેરજાએ મોરબીના ઝડપથી વિકસી રહેલ સિરામિક ઉદ્યોગના બે લાખ જેટલા કામદારોની આરોગ્ય વિષયક જાળવણી માટે કામદાર રાજ્ય વીમા યોજનાની હોસ્પિટલની અદ્યતન સુવિધા વેગવંતી બનાવવા પણ માગણી કરી છે.