મોરબી, તા.રપ
મોરબીમાં એક જ દિવસમાં ગરીબ પરપ્રાંતિય મજૂર પરિવારની બે માસુમ બાળકીને મોત ભરખી જતા અરેરાટી ફેલાઈ ગઈ છે જેમાં મોરબીના સરતાનપર રોડ પર આવેલ સેન્શો સિરામીકના કારખાનામાં કાળી મજૂરી કરવા આવેલ પરપ્રાંતિય ગરીબ પરિવાર કારખાનાની ઓરડીમાં રહેતા હતા. ત્યાં આ પરિવારની માસુમ બાળકી સજી લાલિયાભાઈ (ઉ.વ.૭) રમતી હતી. ત્યારે સર્પે હાથની આંગળીમાં દંશ મારતા તાત્કાલીક મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું, ત્યારે બીજા બનાવમા મધ્યપ્રદેશથી મોરબીના લાલપર પાસે ગણેશ કારખાનામાં મજૂરી કરતો પરપ્રાંતિય ગરીબ પરિવાર કારખાનામાં મજૂરી કરી પેટિયુ રળતો ત્યારે કારખાનાની બાજુમાં આવેલ કેનાલમાં રમતા-રમતા માસુમ બાળકી પુની સુરેશસિંગ રાઠોડ (ઉ.વ.૧૦) કેનાલમાં લપસીને પડી જવાથી કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આમ એક જ દિવસમાં બે ગરીબ પરપ્રાંતિય મજૂર પરિવારની માસુમ બાળકીઓને મોત ભરખી જતા ગરીબ પરિવારે ફુલ જેવી બે માસુમ બાળકી ગુમાવી દેતા ધ્રુસકેને ભુસકે રડી પડ્યો હતો. જ્યારે આ પરિવારોને રડતા જોઈને સિવિલ હોસ્પિટલમાં અમુક સેવાભાવી લોકોના આંખમાંથી પણ આંસુ સરી પડ્યા હતા આ બનાવમા પોલીસે પી.એમ. કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.