મોરબી, તા.ર૦
દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીના કારણે આમ આદમીનું જીવન દોહ્યલું બની ગયું છે. ત્યારે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે સરકાર સામે મોરચો માંડ્યો છે અને મોરબીમાં કોંગ્રેસ દ્વારા ૨૩મીએ મોંઘવારીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરાશે. જેમાં નહેરૂ ગેટ ચોક ખાતે સૂત્રોચ્ચાર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોંઘવારીના પૂતળાનું દહન કરાશે. મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામજીભાઈ રબારીએ કલેકટર અને એસપીને રજુઆત કરી હતી કે, કોરોના કાળને કારણે ધંધા રોજગાર પડી ભાગ્યા હોવાથી આમ આદમી પહેલેથી જ પરેશાન છે. ઉપરથી ભયાનક બનેલી મોંઘવારીએ આમ આદમીનું જીવવું દુષ્કર બનાવી દીધું છે. આવા કપરા સંજોગોમાં રાંધણગેસ, પેટ્રોલ ડીઝલ અને ખાદ્યતેલના ભાવોમાં વધારો થવાથી સામાન્ય લોકોની આર્થિક મુશ્કેલી વધી છે. કોરોના કાળમાં સામન્ય લોકો ગુજરાન પણ માંડ માંડ ચાલવી શકે છે. ત્યાં સંતાનોની મોંઘીદાટ શિક્ષણ ફી ક્યાંથી પરવડે ? આથી, આ મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે સરકાર સામે એલાને જંગ પોકાર્યું છે. જેમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આગામી ૨૩ ડિસેમ્બરે સવારે ૧૦ વાગ્યે નહેરુ ગેટ ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાશે. તેમજ જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે મોંઘવારીના પૂતળાનું દહન કરવામાં આવશે.