મોરબી, તા.૬
સમગ્ર મોરબી જિલ્લામાં શુક્રવારે વરસાદી માહોલ જામ્યો હતો. જાણે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ હોય તેવી જ રીતે મેઘરાજા તૂટી પડ્યા છે. જેમાં શુક્રવારે રાત્રે ૧૦થી ૧૨ દરમિયાન મોરબીમાં સવા બે ઇંચ, ટંકારામાં બે ઇંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં શુક્રવારે સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આખા જિલ્લામાં શુક્રવારે વરસાદ મનમૂકીને વરસ્યો છે. સરકારી આંકડાકીય વિગતો જોઈએ તો રાત્રે ૧૦થી ૧૨ દરમિયાન બે કલાકમાં મોરબીમાં ૫૮ મિમી, ટંકારામાં ૫૨ મિમી, વાંકાનેરમાં ૨૩ મિમી, હળવદમાં ૧૫ મિમી, માળિયામાં ૨ મિમી વરસાદ નોંધાયો છે.
જ્યારે શુક્રવારે સવારે ૬થી રાત્રે ૧૨ વાગ્યા સુધીના આંકડા જોઈએ તો મોરબીમાં ૭૧ મિમી, ટંકારામાં ૫૨ મિમી, વાંકાનેરમાં ૨૬ મિમી, હળવદમાં ૮૫ મિમી, માળિયામાં ૨૯ મિમી વરસાદ નોંધાયો છે. આમ શુક્રવારે દિવસમાં સૌથી વધુ હળવદમાં વરસાદ પડ્યો છે.