(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.ર૭
મોરબી હળવદ હાઈવે પર નીચીમાંડલ નજીક આવેલ એક સીરામીક ફેકટરીમાં સાત વર્ષની માસુમ બાળા પર દારૂના નશામાં વાસનાંધ શખ્સે દુષ્કર્મ આચર્યુ હોવાની ધૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે જે હેવાનિયત ભરી દુષ્કર્મની ઘટનાથી સમગ્ર મોરબી જિલ્લામાં ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે. આજરોજની માનવતાને શર્મશાર કરતી ઘટનાથી શહેરીજનો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા છે અને ગુનેગારો મોરબી જિલ્લાને બિહાર બનાવશે કે શુ તેવી ચર્ચા સાથે શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મોરબી જિલ્લામાં લાંબા સમયથી હત્યા અપહરણ ખંડણીઓ સહીતના ગુન્હાઓએ માજા મુકી છે. છતાં પોલીસતંત્ર ભરનિંદ્રામાં હોય તેમ લાગે છે. મોરબી નજીક એક સીરામીક ફેકટરીમાં દારૂના નશામાં નરાધમે હેકટરીમાં રમતી માસુમ બાળા પર દુષ્કર્મ આચાર્યની ધૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે. ફેકટરીમાં કામ કરતો એક વાસનાંધ શખ્સે દારૂના નશામાં આ અધમ કૃત્ય આચર્યું હોવાનું જાણવા મળ્યું છે આ ધૃણાસ્પદ બનાવથી ચોમેરથી નરાધમ શખ્સ પર ફિટકાર વરસી રહ્યો છે જેમાં આ સીરામીક ફેકટરીમાં બપોરના દોઢ વાગ્યાની આસપાસ આ જઘન્ય બનાવ બન્યો હતો. બાદમાં ભોગ બનનાર બાળકીને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યા બાળકીની હાલત નાજુક જણાતા તેને રાજકોટ ખાતે રીફર કરવામાં આવી છે પોલીસે હાલ આ મામલે સઘન તપાસ આદરી છે. આ બનાવમાં મેડિકલ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે જોકે પોલીસે આરોપીને પણ સંકજામાં લીધો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.