ભૂજ/મોરબી, તા.ર
દિલ્હી સ્થિત નિઝામુદ્દીન વિસ્તારમાં તબ્લીગ જમાતના મરકઝમાં અનેક લોકો ફસાઈ ગયા બાદ કેટલીક ચેનલોએ એક તરફી ન્યુઝ ચલાવતા દેશભરમાં હોબાળો મચી જવા પામ્યો હતો.
દિલ્હીના નિઝામુદ્દીન મકરઝ ખાતે તબ્લીગ જમાત દ્વારા ૧૩થી ૧પ માર્ચ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારત સહિત વિશ્વના અનેક દેશોમાંથી વિદેશી લોકો પણ આવ્યા હતા. સરકાર દ્વારા દેશભરમાં અચાનક લોકડાઉન જાહેર કરાતા બસો-ટ્રેનો ફ્લાઈટો બંધ કરાતા લાખો લોકો રેલવે-બસ સ્ટેશને, એરપોર્ટ પર અટવાઈ ગયા હતા અને પોતાના વતન જઈ શક્યા ન હતા. જેમાં દિલ્હી મરકઝ ખાતે પણ ૨૫૦૦ જેટલા લોકો ફસાઈ ગયા હતા. ત્યાંના સંચાલકોએ આ અંગે દિલ્હી સરકાર, પોલીસ તથા કેન્દ્ર સરકારમાં જાણ કરી હતી. પરંતુ તેમને કોઈ મદદ મળી ન હતી કે કોઈ પગલા લેવાયા ન હતા. આ દરમ્યાન કેટલાક લોકો પોતાના વતનમાં પહોંચી ગયા હતા. જેમાં કેટલાકને કોરોનાનો ચેપ લાગતા હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ૭ જેટલા લોકો કોરોનાના રોગમાં મોતને ભેટ્યા હતા. આ અંગે દિલ્હી સરકારે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ કરતા મરકઝના મૌલાના સહિત ૭ સામે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે મરકઝમાં રહેલ અને મરકઝથી પોતાના વતનમાં ગયેલ લોકોને ક્વોરન્ટાઈન કરવાનો હુકમ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારોને પોતાને ત્યાંથી મરકઝમાં ગયેલ લોકોને પકડી ક્વોરન્ટાઈન કરવાનો હુકમ કરતાં રાજ્યભરમાં આવા લોકોની શોધખોળ કરવામાં આવી છે અને કેટલાક લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે જેમાં કચ્છ જિલ્લામાંથી ૧૯ લોકોનો સમાવેશ થાય છે. જો કે, ઉક્ત યાદી પૈકી કેટલાકે તબ્લીગ જમાતના કાર્યક્રમમાં ભાગ લીધો તે સ્પષ્ટ થયું નથી. પરંતુ પશ્ચિમ કચ્છ પોલીસની સ્પે. ઓપરેશન ગ્રુપ દ્વારા ૧૯ લોકોની યાદીવાળા નામના લોકોનું ટ્રેકિંગ શરૂ કરાયું છે જેમાં સંરક્ષણ દળના જવાનો પણ છે અને કેટલાક હિન્દુ લોકો પણ છે. જેમને મરકઝના કાર્યક્રમથી કોઈ લેવાદેવા નથી જ્યારે મોરબી જિલ્લામાં એક સ્થાનિક પરપ્રાંતિય મજૂર અને દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાંથી આવેલ ૩ હિન્દુ યુવકો સહિત ચારના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મોરબી જિલ્લામાંથી અત્યાર સુધી ર૪ લોકોના સેમ્પલ લેવાયા હતા જે તમામ નેગેટિવ આવ્યા છે. જ્યારે ખંભાળિયા સ્થિત જિલ્લા પોલીસ વડાની કચેરીમાં કેન્ટીનમાં ફરજ બજાવતો એક પો.કો. અને ભાણવડના ભુવનેશ્વરમાં વસવાટ કરતો એક યુવાન પણ તે જ સમયગાળામાં દિલ્હીની નિઝામુદ્દીન મસ્જિદમાં હાજર હોવાનું ખુટતા તંત્ર દોડતુ થયું છે અને પો.કો.ને તાત્કાલિક આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે તેમજ તેની સાથે કેન્ટીનમાં ફરજ બજાવતા સાત કર્મચારીને પણ ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે ભાણવડના ભુવનેશ્વરમાં વસવાટ કરતો યુવક મરકઝના કાર્યક્રમમાં હાજર હતો જેની તપાસ કરાવતા આ યુવક હાલમાં જમ્મુ-કાશ્મીરમાં હોવાનું અને આર્મીમાં ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની વિગતો એકઠી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મરકઝથી આવેલ પો.કો. જામનગરના મસીતિયા ગામમાં રહેતા તેની માતાને મળવા ગયો હોવાનું બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી તેના પરિવારને પણ ક્વોરન્ટાઈન કર્યો છે.