મોરબી, તા.૨૨
હાલમાં કોરોના વાઇરસના કારણે જનજીવન પરેશાન છે. ત્યારે ગયા અઠવાડિયે બોલીવુડના ઉગતા કલાકાર સુશાંતસિંહ રાજપૂતના આપઘાતના લીધે દેશ હતભ્રત બની ગયો છે. આ માહોલ વચ્ચે મોરબી જિલ્લામાં છેલ્લા સાડા ૩ મહિના દરમિયાન થયેલા આપઘાતના કેસનો આંકડો પણ ચોંકાવનારો આવ્યો છે.
લોકડાઉન દરમિયાન તમામ ધંધા રોજગારો બંધ થઈ જતા લોકો ઉપર આર્થિક સંકટ ઉભું થયું હતું. આર્થિક સંકટ ઉપરાંત ઘર કંકાશના પ્રમાણમાં પણ વધારો થયો છે. લોકોને ઘરમાં જ રહેવું પડતું હોય માનસિક તણાવને કારણે માથાકૂટ થવાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત, યંગસ્ટરમાં બ્રેકઅપ, કેરિયર, જોબ સહિતના કારણો આપઘાત માટે જોવા મળે છે. આમ, અનેકવિધ કારણોસર લોકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે. જેના કારણે આત્મહત્યાના બનાવોમાં વધારો થયો છે.
આ સંદર્ભમાં મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીમાં લોકડાઉનના કારણે ઉદ્દભવેલા પ્રશ્નોને કારણે અનેક લોકો માનસિક તણાવમાં આવી ગયા હોય આપઘાતનું પ્રમાણ ખાસ્સું એવું વધ્યું છે. મોરબી જિલ્લામાં છેલ્લા સાડા ત્રણ મહિનામાં કુલ ૬૪ આપઘાતના બનાવો નોંધાયા છે. જેમાં સૌથી વધુ પુરુષોએ આપઘાત કર્યા છે. મોરબીમાં છેલ્લા સાડા ત્રણ મહિનામાં ૬૪ લોકોએ જીવન ટૂંકાવ્યું છે. જેમાં માર્ચ માસમાં ૧૬, એપ્રિલ માસમાં ૧૫ અને મે માસમાં સૌથી વધુ ૨૩ લોકોએ આત્મહત્યા કરી છે. આ બનાવોમાં પુરૂષોની સંખ્યા વધુ છે. જેમાં માર્ચ માસમાં ૯, એપ્રિલમાં ૯ અને મેમાં ૧૩ પુરુષો મળી ત્રણ માસમાં કુલ ૩૧ પુરુષોએ આત્મહત્યા કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ ચાલી રહેલા જૂન માસમાં પણ ૧૫ તારીખ સુધીમાં ૧૦ લોકોએ આત્મહત્યા કરી છે.
મોરબી જિલ્લાના આંકડાઓ જોતા આત્મહત્યાના વધી રહેલા બનાવોને જોતા લોકો અંગત રીતે અન્ય લોકોને આપઘાત કરતા અટકાવવા પ્રયાસો કરે તે જરૂરી છે. જેના માટે માનસિક હાલત નબળી ધરાવતા કે સતત ચિંતામાં રહેતા લોકોની આસપાસના લોકો જેવા કે પરિવારના સદસ્યો, કુટુંબીઓ તથા ખાસ કરીને મિત્રવર્તુળએ તે લોકોની સમસ્યાઓ સાંભળી ઉકેલ ન લાવી શકાય તો માત્ર આશ્વાસન આપવું જોઈએ. તેમજ જે લોકોને આપઘાતના વિચારો આવતા હોય તે લોકોએ પણ પોતાની સમસ્યાઓ અન્ય લોકો સમક્ષ વ્યક્ત કરવી જોઈએ. સરકાર દ્વારા પણ ૧૦૯૬ હેલ્પલાઇન નંબર પર આપઘાતના વિચારો અટકાવવા માટે કાઉન્સેલિંગ સેવા આપવામાં આવે છે. સાયકાયટ્રિસ્ટ ડોક્ટરોનો પણ સંપર્ક કરવો જોઈએ. મેડિકલ ટ્રીટમેન્ટ અને મેડિસિનથી પણ ડિપ્રેશનમાં રાહત મળે છે. આમ, જીવનનો અંત એ સમસ્યાનો ઉકેલ તો નથી જ પણ સમસ્યાનું સમાધાન જ જીવનની નવી શરૂઆત છે.