(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
સુરત શહેરમાં પાલિકા દ્વારા દરેક મોલોના શોપીંગ સેન્ટરમાં ફાયર સિસ્ટમની ચેકિંગ કરી રહી છે તેવા સમયે સુરત પોલીસે પણ શહેરમાં આવેલા મોલોમાં સિક્યુરિટી કેવા પ્રકારની છે તે જાણવા માટે એસઓજીએ એક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી હતી. પોલીસના માણસો ખાનગી ડ્રેસમાં પોતાની બેગોમાં પિસ્તોલ અને પગમાં પિસ્તોલ સેલેટેપથી બાંધીને અલગ અલગ મોલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ મોલોમાં નામપુરતી સિક્યુરિટી ચેકિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસના માણસો પિસ્તોલ સાથે મોલમાં આસાનીથી પ્રવેશ કરી ગયા હતા. જેથી ત્રણ મોલના સિક્યુરિટી એજન્સીઓને એસઓજી દ્વારા નોટીસો પાઠવી યોગ્ય જવાબ માંગ્યો હોવાનું જાણવા મળે છે.
સુરત પોલીસ તંત્ર દ્વારા શહેરમાં આવેલા વિવિધ મોલોમાં ચાલતી સિક્યુરિટી એજન્સી દ્વારા કયા પ્રકારની ચેકિંગ કરાય છે તેને તપાસવા માટે ગુરૂવારે એક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી હતી. ડુમસ રોડ પર આવેલા રાહુલ રાજ, વીઆરમોલ અને સેન્ટ્રલ મોલમાં એસઓજીના માણસો બેગમાં પિસ્તોલ અને પગમાં સેલોટેપથી પિસ્તોલ બાંધીને ગયા હતા. ત્યારે માત્ર દેખાવપૂરતી ચેકિંગ થઈ હતી. જેમાં પોલીસના માણસો સરળતાથી પિસ્તોલ લઈને મોલમાં પ્રવેશ કર્યો હતો. જેથી સિક્યુરિટી એજન્સી દ્વારા કરવામાં આવતી ચેકિંગની પોલમપોલ એસઓજીએ ઉગાડી પાડી દીધી હતી. આ તમામ મોલના સિક્યુરિટી એજન્સીના સંચાલકોને બોલાવી આ અંગે નોટીસો પાઠવી યોગ્ય જવાબ રજૂ કરવા માટેની તાકીદ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવી સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવે તો કદાચ આંતકવાદીઓ કે અન્ય લૂંટારૂઓ પોતાનો મનસૂબો પાર કરવામાં સફળ થઈ જાય જેથી સિક્યુરિટી એજન્સીઓને કડક ચેકિંગ કરાઈ તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.