મોસાલી, તા.૮
મોસાલી નજીક વાંકલ ગામની સીમમાં ખેડૂતોના ભારત બંધને સમર્થન આપવા કોંગ્રેસ કાર્યકરોની દાદાગીરી સામે આવી હતી. જેમાં એક હાઈવા ટ્રકને રોકી ચાલક સામે ગાળાગાળી કરી હતી અને ટ્રકમાં ભરેલ કપચી ખાલી કરાવી હતી. હાઈવા ચાલકે કપચી ખાલી કરવાનું ના પાડતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે બે ઈસમો સામે માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકલ તરફથી કારચાલક સંતોષભાઈ ભીખુભાઇ મેસુરીયા (રહેવાસી વાંકલ) તથા ઠાકોરભાઈ રંગજીભાઈ ચૌધરી (રહેવાસી વાંકલ) મોસાલી તરફ આવી રહ્યા હતા. ત્યારે વાંકલ ગામની સીમમાં ભારત પેટ્રોલીયમ પંપની સામે વાંકલથી મોસાલી તરફ જાલમસિંગ જુવાનસિંગ પરમાર, હાલ રહેવાસી મોસાલી ચાર રસ્તા, કે જેઓ પોતાનું હાઈવા ડમ્પરમાં કપચી ભરી કોસંબા તરફ જઈ રહ્યા હતા. ત્યારે માર્ગ ઉપર ઉપરોક્ત મારૂતિ અલ્ટોના ચાલકે હાઈવાની સામે મારૂતિ અલ્ટો ઊભી કરી દીધી હતી અને હાઈવા અટકાવી દીધી હતી અને મારૂતિમાંથી ઉપરોક્ત બે ઈસમો નીચે ઉતર્યા હતા અને હાઇવાના ચાલકને ગાળો આપવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા કે આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન છે. તો તમે કેમ કપચી ભરીને આવ્યા છો ? હાઈવામાં જે કપચી છે. તે માર્ગ ઉપર ખાલી કરી નાખી, હાઈવા ચાલકે ના પાડતાં જણાવ્યું કે, કપચી ખાલી ન કરશે તો તને જાનથી મારી નાખીશું એવી ધમકી આપતાં હાઈવા ચાલકે કપચી ખાલી કરી નાંખી હતી. માંગરોળ પોલીસે ઉપરોક્ત બે ઇસમો પૈકી એકની અટક કરી છે જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો છે.