(એજન્સી) તા.૧૭
મોસ્કોએ સીરિયાના કુખ્યાત અલ-હોલ શિબિરમાંથી ૨૭ રશિયન બાળકોને બહાર કઢાવ્યા હતા, જ્યાં પૂર્વ દાએશ ફાઈટરોના સ્થાનાંતરિત પરિવારના સભ્યોને પકડીને રાખવામાં આવ્યા છે. રશિયાના બાળકોના અધિકાર માટેના કમિશનર અન્ના કુઝનેત્સોવાએ જાહેરાત કરી કે સંરક્ષણ મંત્રાલયના એક વિમાને બાળકો સાથે રાતોરાત ઉડાન ભરી હતી અને આજે વહેલી સવારે મોસ્કોના ચકલોવસ્કી હવાઈ મથક પર ઉતર્યું હતું. આ બાળકોની ઉંમર બેથી ૧૩ વર્ષ વચ્ચેની છે અને તેઓની તબીબી તપાસ કરાશે અને રશિયામાં તેમને સંબંધીઓને મોકલાતા પહેલા તેઓ ક્વોરન્ટાઈનમાં સમય વિતાવશે. કુઝનેત્સોવાએ વધુમાં જણાવ્યું છે કે, સત્તર બાળકો દાગેસ્તાન જશે, ચાર બાળકો પેન્ઝા ક્ષેત્રે અને બે-બે બાળકો ટ્યુમેન, વોલગોગ્રેડ અને ચેચન્યા ક્ષેત્રમાં જશે. રશિયન નાગરિકોનુ આ ત્રીજુ એવું સ્થળાંતર છે, જેમાં ખાસ કરીને બાળકો અને અનાથોને બહાર કઢાયા છે, તેમનામાંથી ઘણા નવ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન હાલમાં જન્મેલા છે. રશિયાએ ૨૦૧૭માં સીરિયા અને ઈરાકમાંથી સગીરોને પરત ખેંચવાના પ્રયાસો શરૂ કર્યા હતા. રશિયાના કુઝનેત્સોવા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને મળ્યા હતા. જેના પરિણામે સીરિયન વિપક્ષની સામેના સંઘર્ષમાં બંને સાથીઓ વચ્ચે કરાર થયો હતો. અમને આશા છે કે, આ પ્રક્રિયા સફળ થશે કારણ કે ૭૦થી વધુ બાળકો હજુ પણ ત્યાં છે જેમના બધા દસ્તાવેજો તૈયાર છે. જો અમે આગામી મુલાકાત સમયસર કરીશું તો ૨૭ વધુ બાળકો માટેના દસ્તાવેજો જારી કરવામાં આવશે. દાએશ ફાઈટરો જે બચી ગયા છે અથવા પકડાયા છે તેમને કુર્દિશ લશ્કર દ્વારા સંચાલિત જેલોમાં રાખવામાં આવી રહ્યાં છે, તેમની પત્નીઓ અને બાળકોને ઉત્તર-પૂર્વી સીરિયામાં અલ-હોલ જેવી છાવણીઓમાં રખાયા છે. જો કે, કુર્દિશ વહીવટી તંત્રએ તાજેતરમાં જ આતંકવાદીઓની સુનાવણી શરૂ કરવાની અને છાવણીઓમાં રખાયેલા ૧૫,૦૦૦ જેટલો સીરિયનોને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.