(એજન્સી)             તા.૧૩

ગઇ સાલ બુકર પ્રાઇસ જીતનાર કેનેડિયન લેખિકા માર્ગરેટ એટવુડનું કહેવું છે કે યુદ્ધ ત્યારે થાય છે જ્યારે વાતચીત નિષ્ફળ થઇ જાય છે. ભારત અને ચીનને લાગેવળગે છે ત્યાં સુધી વાતચીત દ્વારા આ મામલાને ઉકેલવાની કોશિષ થતી જણાય છે. આ સંદર્ભમાં મોસ્કોમાં બંને દેશોના વિદેશ પ્રધાનો વચ્ચે વાતચીત થાય એ એક સકારાત્મક પાસુ છે પરંતુ આ બેઠક અંગે જે સંક્તે મળી રહ્યાં છે તેનાથી એવું લાગે છે કે બંને દેશ હાલ તુરત એલએસી પર આક્રમક સતર્કતા હળવી કરશે નહીં જે વાત ચિંતાજનક છે. શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) શિખર દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે ૧૦,સપ્ટે.યોજાયેલી આ બેઠકના થોડા દિવસો પહેલા જ મોસ્કોમાં ભારત અને ચીનના સંરક્ષણ પ્રધાનોની બેઠક યોજાઇ હતી જેમાં ચીનના સંરક્ષણ પ્રધાને એલએસી પર તંગદિલી માટે ભારતને જવાબદાર ગણાવીને રાજનાથસિંહને યાદ અપાવ્યું હતું કે ભારતના વડા પ્રધાન મોદી સ્વયં કહી ચૂક્યાં છે કે ભારતની એક ઇંચ પણ જમીન પર કબજો થયો નથી. જો કે મોસ્કો ઘોષણા પત્રમા ંસરહદી વિસ્તારોનો ઉલ્લેખ કરાયો છે તેમાં એલએસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમ ભારત અને દિલ્હી વચ્ચે અસ્થિરતા તો ચાલુ જ છે.આ સપ્તાહે ૪૫ વર્ષ બાદ સરહદે ચીન અને ભારત વચ્ચે ગોળીબાર થયાં હતાં. બંનેએ હવામાં ગોળીબાર કર્યા હતાં અને કોઇ ખુવારી થઇ ન હતી, પરંતુ તેના દ્વારા એક સંકેત સ્પષ્ટપણે મળી ગયો હતો કે ભારત-ચીનને હવે એક બીજા પર બિલકુલ વિશ્વાસ નથી. વિદેશ પ્રધાનોની બેઠક પરથી એટલું જ પરિણામ આવ્યું કે બંને નેતાઓ મળ્યાં, વાતચીત થઇ અને સંયુક્ત નિવેદન જારી કરાયું જે રાજદ્વારી વધુ હતું. બંને નેતાઓએ એ સ્વીકાર્યુ કે એલએસી પર મડાગાંઠ કોઇ પણની તરફેણમાં નથી અને સૈન્યએ વાતચીત ચાલુ રાખીને પોત પોતાની સેનાઓને પાછી ખેંચી લેવાની દિશામાં આગળ વધવું જોઇએ અને એક બીજાથી દૂર રહીને તણાવ ઘટાડવો જોઇએ.આ સંયુક્ત નિવેદન પરથી અંદરખાને કેવો તાલમેલ સધાયો તે ખબર પડતી નથી પરંતુ ગમે તે ઘડીએ યુદ્ધ થવાની જે આશંકા હતી તે હાલ પૂરતી ટળી ગઇ હોવાનું જણાય છે. પરંતુ સંયુક્ત નિવેદનમાં જે વાત લખી છે તેના પરથી એક વાત ચોક્કસ લાગે છે કે યુદ્ધનો ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી.