ધોળકા, તા.૯
ધોળકા સુન્ની મુસ્લિમ ઘાંચી જમાતનાં મોહંમદ સાહિલ ઉસ્માનગની ઘાંચી (સાથળવાળા) તાજેતરમાં લેવાયેલ NEET-૨૧ની પરીક્ષામાં ૫૪૦ માર્ક્સ મેળવી ઝળહળતી સફળતા હાંસલ કરી છે. આ ઉત્કૃષ્ઠ પરિણામની ખબર મળતાં જ ધોળકાના સમગ્ર મુસ્લિમ સમાજ અને સુન્ની મુસ્લિમ ઘાંચી જમાતમાં ખુશીની લહેર દોડી ગઈ છે. રિક્ષાચાલક પિતાનાં આ તેજસ્વી પુત્રએ અસાધારણ સિદ્ધિ હાંસલ કરતાં તેના પરિવારજનો ગદગદિત થઈ ગયાં છે. મોહંમદ સાહિલ ઘાંચી નમાઝ પઢવાનાં અને જમવાનાં સમયે જ ઊભો થતો હતો. બાકીના તમામ સમયમાં પોતાનો ધ્યેય સિદ્ધ કરવા સતત વાંચન કરતો હતો. અગાઉ લેવાયેલ ગુજકેટની પરીક્ષામાં પણ ધોળકા તાલુકામાં આ વિદ્યાર્થી પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ હતો. ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષામાં ૮૪ ટકા માર્ક્સ મેળવી પાસ થયેલ. ગર્વની લાગણી સાથે સુન્ની મુસ્લિમ ઘાંચી જમાતનાં પ્રમુખ તથા કારોબારી કમીટી એ જમાત વતી તેમને મુબારકબાદ પાઠવી. ભવિષ્યમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરે તેવી દુઆ કરી હતી.