(એજન્સી) તા.૧૦
સઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને દેશનિકાલ થયેલા પૂર્વ ગુપ્તચરના વડા સાદ અલ-જબરીની હત્યા માટે એક હિટ સ્કવોડ મોકલ્યા હોવાના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. યુ.એસ.ની કોર્ટસમાં ૬ર વર્ષીય અલ-જબરીએ સલ્તનતના હકીકતી શાસક સામે કેસ કર્યો છે. ઈસ્તંબુલમાં સઉદી કોન્સ્યુલેટમાં પત્રકાર જમાલ ખાશોગીની હત્યા પછીના થોડાક જ દિવસોમાં આ અપહરણ અને હત્યાનું કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. અલ-જબરી દ્વારા નોંધાવેલા કેસ અનુસાર બિન સલમાને ટાઈગર સ્કવોડ તરીકે ઓળખાતી ભાડુતી ટીમોને વ્યક્તિગત રીતે નિયંત્રિત કરી હતી જેથી તેની હત્યાકાંડની ઈચ્છા પૂરી કરી શકે અને કેનેડામાં તેને મારી નાંખવામાં આવે. ઓગસ્ટમાં વોશિંગ્ટન ડીસીમાં અલ-જબરી દ્વારા દાખલ કરવામાં આવેલી ૧૦૬ પાનાની ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રિન્સ તેને મારી નાખવા માંગતો હતો. કારણ કે તેની પાસે ‘ગુપ્ત માહિતી’ હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે સઉદી સિંહાસનના વારસદારોએ એક ધાર્મિક ફતવો મેળવ્યો છે. જેમાં પૂર્વ ટોચના ગુપ્તચર અધિકારીની હત્યાને મંજૂરી અપાઈ છે. અલ-જબરી યુ.એસ.ના એલિયન ટોર્ટ કાયદા અને ૧૯૯૧ પીડિત-ત્રાસ-સુરક્ષા એકટ દ્વારા નિવારણની માંગ કરી રહ્યા છે. જેની હેઠળ વિદેશી નાગરિકો માનવાધિકારના ઉલ્લંઘન અંગે યુએસમાં ફરિયાદ નોંધાવી શકે છે.