યુપીના સૈયદ કલ્બે જવ્વાદની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમે કહ્યું- જો મોહર્રમના જુલૂસની પરવાનગી અપાય તો ભારે અવ્યવસ્થા સર્જાશે અને કોરોના ફેલાવવા માટે ચોક્કસ સમુદાય(મુસ્લિમ)ને નિશાન બનાવાશે

પુરીમાં રથયાત્રા એક સ્થાને હતી અને એક જ રૂટ હતો જેથી નજર રાખી શકાય તેમ હતું તમે બધા સ્થાનો માટે વાત કરો છો, અમે ત્યાં જોખમ લઇ શકતા હતા પરંતુ બધા સ્થાનો માટે જોખમ ના લેવાય : મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેંચનું અવલોકન

મુંબઇમાં માત્ર ત્રણ મંદિરોમાં પર્યુષણની પૂજા માટે મંજૂરી અપાઇ હતી અને તમિલનાડુમાં ગણેશ ઉત્સવની પરવાનગી અપાઇ નથી, અરજદાર માત્ર લખનૌની વાત કરતા હોય તો તેમણે અલ્હાબાદ હાઇકોર્ટમાં જવું જોઇએ અને તેમાં રાજ્ય સરકારને પક્ષકાર બનાવવી જોઇએ : સુપ્રીમ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
રવિવારે યોજાનાર મોહર્મના જુલૂસ માટે સમગ્ર દેશમાં પરવાનગી આપવાનો ઇન્કાર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આના કારણે ભારે અવ્યવસ્થા સર્જાશે અને કોરોના વાયરસ ફેલાવવા બદલ ચોક્કસ સમુદાયને નિશાન બનાવાશે. સાથે જ મુસ્લિમોને કોરોના વાયરસને ફેલાવવા માટે બદનામ કરાશે. આ અંગે સુનાવણી કરતા જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું કે, જો અમે સમગ્ર દેશમાં મોહર્મના જુલૂસની મંજૂરી આપીશું તો તેના કારણે અવ્યવસ્થા સર્જાશે અને કોરોના વાયરસ ફેલાવવા માટે એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવવામાં આવશે. જુનમાં રથયાત્રાની પરવાનગીના આદેશને ટાંકતા ઉત્તરપ્રદેશના સૈયદ કલ્બે જવ્વાદની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે, તમે પુરીમાં રથયાત્રાની વાત કરો છો તો ત્યાં એક જ સ્થાન હતું અને એક જ રૂટ હતું. આ કેસમાં અમે જોખમનું તારણ કાઢી શકતા હતા અને ત્યારબાદ આદેશ આપ્યો હતો. મુશ્કેલી ત્યાં છે કે તમે સમગ્ર દેશ માટે એક સામાન્ય આદેશ આપવાની વાત કરો છો. ત્યારબાદ અરજદારે દાદર અને ભાયખલ્લામાં પર્યુષણ માટે પસંદગીના જૈન મંદિરોમાં પૂજાની મંજૂરી આપવાની સુપ્રીમ કોર્ટની દખલને ટાંકી હતી. આ અંગે મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું કે, આ બધી મર્યાદિત પૂજાઓ હતી અને અમે બધા સ્થાન માટે મંજૂરી આપી શકીએ નહીં. તમિલનાડુમાં ગણેશ ઉત્સવને મંજૂરી અપાઇ નથી. દરમિયાન જસ્ટિસ બોબડેએ કહ્યું કે, અમે લોકોના સ્વાસ્થ્યનું જોખમ ના લઇ શકીએ. જો તમે એક સ્થાનની માગણી કરી હોત તો અમે આ જોખમ લેવા તૈયાર હોત. સમગ્ર દેશ માટે એક જ પરવાનગીની મુશ્કેલી વિશે સુપ્રીમ કોર્ટે વાત કરી રહી હતી અને કહ્યું કે, આ અરજીમાં રાજ્ય સરકારને પણ પક્ષકાર બનાવાઇ નથી. અરજદારે લખનઉમાં મોહર્રમના જુલૂસની પરવાનગી માગતા કહ્યું કે, ઉત્તરપ્રદેશના પાટનગરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ શિયા સમુદાય વસે છે. સુપ્રીમ કોર્ટે ત્યારબાદ જણાવ્યું કે, અરજદાર આ માટે અલ્હાબાદ હાઇકોર્ટમાં જઇ શકે છે. આ સુનાવણીમાં મુખ્ય ન્યાયમૂર્તિની બેંચમાં જસ્ટિસ એ.એસ. બોપન્ના અને વી. રામસુબ્રમણ્યન સામેલ હતા.
બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટની આ જ બેંચે અરજદારને કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી મંજૂરી લઇને તમે શોક મનાવવાની પરવાનગી મેળવી શકો છો જેમાં એક સ્થળે માત્ર પાંચ લોકો જ ઉપસ્થિત રહેવા જોઇએ. અરજદારના વકીલે ત્યારે દલીલ કરી હતી કે, આ કાર્યક્રમો દર વર્ષે મનાવવામાં આવે છે અને તમે માત્ર પાંચ લોકોની ઉપસ્થિતિની પરવાનગી આપી રહ્યા છો. આ અંગે મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું કે, પરંતુ કોરોના વાયરસ દર વર્ષે આવતો નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને ડામવા માટે માર્ચના અંતિમ અઠવાડિયામાં જ્યારે દેશમાં લોકડાઉન લગાવાયું હતું ત્યારે પૂજા તથા ઇબાદતના સ્થળો, ધાર્મિક મેળાવડા અને જુલૂસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જુન માસમાં જ્યારે આકરા લોકડાઉનમાંથી દેશ બહાર આવી રહ્યો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે પહેલા જગન્નાથ રથ યાત્રાને મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો અને તેના પાંચ દિવસ બાદ કેન્દ્ર સરકારની અપીલ પર એમ કહીને મંજૂરી આપી હતી કે, જો અમે પરવાનગી આપીશું નહીં તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે. ગયા અઠવાડિયે ટોચની અદાલતે આઠ દિવસના પર્યુષણ તહેવાર પર મુંબઇની આસપાસના કોઇપણ ત્રણ મંદિરોમાં જૈનોને પૂજા કરવા માટે મંજૂરી આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ત્યારે જણાવ્યું હતું કે, આ પૂજા ફેસ માસ્ક અને શારીરિક અંતર જેવા મુખ્ય દિશા નિર્દેશોનું પાલન કરીને જ થવી જોઇએ અને તેનું આકરૂં પાલન કરવું પડશે. આ ચુકાદો આપતા મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે, ભગવાન જગન્નાથે અમને માફ કરી દીધા હતા અને ફરીવાર અમને માફ કરાયા છે.