નવી દિલ્હી, તા.૧૯
અહેવાલોનું માનીએ તો જલ્દી ભારતીય ઝડપી બોલર મો.શમી બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રક્ટની યાદીમાં સામેલ થઈ શકે છે. સમાચાર અનુસાર બીસીસીઆઈ એન્ટી કરપ્શન યુનિટના ચીફ નીરજકુમારે બોર્ડના કોડ ઓફ એથિકસને જોતા તેને કોઈપણ પ્રકારના ફિક્સિંગના આરોપથી મુક્ત કરી દીધો છે અને જ્યાં સુધી ઘરેલું હિંસાનો મામલો છે. બીસીસીઆઈએ સ્પષ્ટતા કરી છે કે તે પોલીસનો મામલો છે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન રાજીવ શુકલાએ કહ્યું છે કે, જો રિપોર્ટમાં તેને ક્લિનચીટ મળી તો તે આઈપીએલ રમી શકશે.
મો.શમીએ કહ્યું છે કે તે પોતાની પુત્રી આયરાની ભલાઈ માટે હસીન સાથે મામલો સમાપ્ત કરવા માટે રાજી છે. તેણે કહ્યું કે, હસીન જ્યારે પણ ઈચ્છશે હું તેની સાથે વાતચીત કરવા માટે કોલકાતા જઈશ. હું તેની સાથે વાત કરવા માટે તૈયાર છું. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિવાદ બાદ બીસીસીઆઈએ શમીને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપ્યો નથી. બીજીબાજુ દિલ્હી ડેરડેવિલ્સ પણ તેના વિશે કોઈ નિર્ણય લેતા પહેલા બોર્ડની કાનૂની સલાહના જવાબની રાહ જોઈ રહ્યું છે. હવે આ બન્ને મુદ્દાએ શમી ઉપર દબાણ બનાવ્યું છે.