(એજન્સી) તા.૧૦
મ્યાનમારના બે સૈનિકોએ આ વાતનો સ્વીકાર કર્યો છે કે સેનાએ રોહિંગ્યા મુસ્લિમોનો સામૂહિક જનસંહાર કર્યો છે, તેમને સામૂહિક રીતે દફન કરવામાં આવ્યા છે. તેમના ગામડાઓમાંથી અપરાધના ચિન્હો દૂર કર્યા છે અને તેમની મહિલાઓ સાથે બળાત્કાર ગુજાર્યા છે. મ્યાનમારના એક સૈનિક મિયુન વીન તુને એક વીડિયોમાં જણાવ્યું છે કે ઓગસ્ટ ર૦૧૭માં તેમને આદેશ આપવામાં આવ્યો કે, તે રોહિંગ્યા મુસ્લિમો પર ફાયરિંગ કરી દે. જે તેમને જોવા મળે અથવા સંભળાય. વીન તુને સ્વીકાર કર્યો છે કે તેમણે ૩૦ રોહિંગ્યા મુસ્લિમોની સામૂહિક હત્યા અને તેમને સૈન્ય છાવણીની નજીક સામૂહિક દફનાવવામાં આવ્યા હતા. મ્યાનમારના વધુ એક સૈનિક જાઉ વીંગ તુને પણ રોહિંગ્યા મુસ્લિમોની વિરૂદ્ધ વિવિધ પ્રકારના અપરાધોની વાત સ્વીકાર કરતા જણાવ્યું છે કે સેનામાં તેમને અને તેમના મિત્રોને પણ આ જ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો હતો કે જે પણ રોહિંગ્યા જોવા મળે બાળક કે વૃદ્ધ તેની હત્યા કરી નાખો. મ્યાનમારના આ બે સૈનિકોએ પ્રથમ વખત ઔપચારિક રીતે અને જાહેરમાં રોહિંગ્યા મુસ્લિમોની વિરૂદ્ધ આરોપો સ્વીકાર કર્યા છે અને આંતરરાષ્ટ્રીય અર્ટોનિયોની સમક્ષ આ વાતો જણાવી છે. ઓગસ્ટમાં જ ફરાર થયેલા મ્યાનમારના આ સૈનિક સોમવારે હોલેન્ડના હેગ નગર લાવવામાં આવ્યા જેથી લઘુમતી રોહિંગ્યા મુસ્લિમોની વિરૂદ્ધ મ્યાનમારની સેનાના વ્યાપક અપરાધોની સુનાવણી થઈ શકે. મ્યાનમારની સેનાએ બૌદ્ધ ચરમપંથીઓની સાથે મળીને રાખીને રાજ્યમાં હજારો રોહિંગ્યા મુસ્લિમોનો જનસંહાર કર્યો અને લાખો લોકોને બેઘર કરી દીધા.