અમદાવાદ, તા.૪
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેડિયમ પાંચ રસ્તાથી પંચવટી પાંચ રસ્તા સુધી ૩ કિ.મી.ના વિસ્તારમાં સીજી રોડના નવીનીકરણની કામગીરી કરાઈ રહી છે પરંતુ આ રોડના નવીનીકરણમાં પોલંપોલ ચાલી રહી છે. આખા પ્રોજેકટની ડિઝાઈન ફોલ્ટી હોવા છતાં મંજૂર કરી દેવાઈ છે. ચોંકાવનારી વાત તો એ છે કે, સીજી રોડ પર પાર્કિંગની સમસ્યા વર્ષો જૂની છે તેમ છતાં નવીનીકરણ બાદ પાર્કિંગ ક્ષમતા પ૦ ટકા ઘટી જતાં વેપારીઓ અને વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થશે. અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના વિપક્ષના નેતા દિનેશ શર્માએ બુધવારે સીજી રોડના નવીનીકરણની કામગીરીનું સ્થળ ઉપર જ સ્વમૂલ્યાંકન કર્યા બાદ જણાવ્યું હતું. પહેલાં આ કામ માટે રૂા.૩૩ કરોડનું ટેન્ડર મંજૂર કરાયું હતું. આજ દિન સુધી ટેન્ડરની રકમ વધારીને રૂા.૩૬.૯૪ કરોડ કરી દેવાઈ છે પણ આ સીજી રોડના નવીનીકરણમાં માત્ર પોલંપોલ ચાલી રહી છે. સીજી રોડના નવીનીકરણ બાદ અહીં પાર્કિંગ ક્ષમતા પ૦ ટકા ઘટી ગઈ છે. લેફટ ટર્ન લેતી વખતે અકસ્માત થવાનો ભય રહે છે. ટ્રાફિક જામની સમસ્યા વધશે. ફોલ્ટી ડિઝાઈનના કારણે શહેરીજનોને વાહન પાર્ક કરતાં સમયે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડશે. આમ અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના સત્તાધીશોએ મળતિયા કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટરને કામ આપવા મજબૂત સીજી રોડ તોડી નાંખ્યો અને તેની કોઈ જરૂરિયાત નહોતી. માત્ર પોતાના મળતિયાઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટે ફોલ્ટી ડિઝાઈન મંજૂર કરાઈ છે. સ્થળ ઉપર જઈ ચકાસણી કરતાં વિપક્ષ નેતાને માલુમ પડયું હતું કે દેશ અને દુનિયામાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે રોડને પહોળા કરવામાં આવે છે પરંતુ અ.મ્યુ.કો.ના દ્રષ્ટિહિન શાસકોએ રોડને પહોળો કરવાની જગ્યાએ ફૂટપાથને પહોળી કરી તો શું આવનારા સમયમાં આ ફૂટપાથો ઉપર ખાણી-પીણીનું બજાર કે પછી પાથરણા બજાર ઊભું કરવા માટે આ ફૂટપાથને પહોળો કરવામાં આવ્યો છે તેવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. જ્યારે ફૂટપાથ પહોળી કરાતા રોડ સાંકડો થઈ ગયો છે. સર્વિસ રોડ ગાયબ કરી ઓટલા બનાવી દેવાયા છે. સીજી રોડ ઉપર જે પ્રકારે બહારની બાજુએ કાર પાર્ક કરવાની જગ્યા મૂકી છે તેનાથી અકસ્માત થવાનો ભય વધ્યો છે. ઉપરાંત ચાર રસ્તા ઉપર જે પ્રકારે ખૂણા બહાર કઢાયા છે જે વાહનચાલકો માટે જોખમી છે. આ સિવાય આડેધડ આયોજન કરી પહેલાં ચાર રસ્તા ઉપર મોટી ફૂટપાથ હતી જે હવે કાપીને નાની કરવાનો પ્રયોગ કરાયો છે.