અમદાવાદ,તા.૬
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને પેન્શનરોને તા.૧-૧-૧૮થી મોંઘવારી ભથ્થાના દરમાં ર ટકા પ્રમાણે વધારો કરી સાતમા પગારપંચના બેઝીક ૭ ટકાના ધોરણે મોંઘવારી ભથ્થું આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના ઠરાવ અન્વયે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તા.પ-૯-ર૦૧૮ના ઠરાવથી મંજૂરી મળ્યા બાદ ચીફ એકાઉન્ટન્ટ દ્વારા મ્યુનિ.ના તમામ ખાતાઓના વડાઓ, એકાઉન્ટન્ટ અને બીજા કલાર્કોને ઉદ્દેશીને પરિપત્ર પાઠવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, સાતમા પગારપંચના બેઝીકના ૭ ટકા મુજબ મોંઘવારી ભથ્થાની રકમ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને પેન્શનરોને નીચે મુજબ ચૂકવવાની રહેશે.
આ હુકમો હેઠળ ચૂકવવાપાત્ર થતા મોંઘવારી ભથ્થાના તા.૧-૧-ર૦૧૮થી તા.૩૧-૮-ર૦૧૮ સુધીની મોંઘવારીની રકમ સપ્ટેમ્બર-ર૦૧૮ના માસના પગારમાં રોકડમાં ૮ માસના એરિયર્સ સાથે ઈ.ડી.પી. વિભાગ દ્વારા ચુકવવામાં આવશે. મ્યુનિસિપલ પેન્શનર્સ માટે આ કાર્યવાહી નાણા ખાતાના પેન્શન વિભાગ મારફતે કરવાની રહેશે. આ મોંઘવારી ભથ્થાનો વધારો ચુકવવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની ગ્રાન્ટ લેતી સંસ્થાઓ જેવી કે સ્કૂલ બોર્ડ, શેઠ વા.સા. જનરલ હોસ્પિટલ તેમજ શેઠ મા.જે. પુસ્તકાલયે તેઓની નાણાકીય તરલતા ધ્યાને રાખીને અલગ ઠરાવ કરવાના રહેશે.