અમદાવાદ, તા.૪
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળતિયા કંપનીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્માએ આક્ષેપ કર્યો છે. સોલા ટ્રાન્સફર સ્ટેશન ખાતે મટીરિયલ રિકવરી ફેસિલિટી ઈન્સ્ટોલ કરી મિક્સ પ્લાસ્ટિક વેસ્ટ રિકવરી પ્રોજેક્ટના નામે પ્લાસ્ટિક વેસ્ટને વિનામૂલ્યે ઊપાડી માનીતી કંપનીને કરોડોની કમાણી કરવાનો પરવાનો ટેન્ડર વિના આપવા સામે વિરોધ નોંધાવ્યો છે. શહેરમાંથી એકત્ર કરવામાં આવતા કચરામાંથી પ્લાસ્ટિક વેસ્ટ અલગ કરવા માટે સોલા ટ્રાન્સફર સ્ટેશન પાસેની મટીરિયલ રિકવરી ફેસિલિટી (એમઆરએફ) ખાતે મશીનરી ઈન્સ્ટોલ કરી મિક્સ પ્લાસ્ટિક વેસ્ટ રિકવરી પ્રોજેક્ટની કામગીરી કરવા માટે સ્/જ. ઇીષ્ઠઅષ્ઠઙ્મૈહખ્ત સ્ેજં ર્ઝ્ર. એજન્સીને કામ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકાઈ છે. આ કંપનીએ આપેલી પ્રપોઝલ અન્વયે એજન્સીને છ માસ માટે પ્રાયોગિક ધોરણે કામગીરી સોંપવા તેમજ કામગીરી સોંપાયાના છ માસ બાદ કરેલ કામગીરીનો રિવ્યુ કરી તેને આધારે સંસ્થાની કામગીરીની મુદ્દત વધુ પ વર્ષ માટે લંબાવવાની મ્યુનિ. કમિશનરને સત્તા આપવા માટે દરખાસ્ત મૂકાઈ છે, પણ પ્રથમ દૃષ્ટિએ જ આ કામની દરખાસ્તમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ગંધ આવે છે. કોઈપણ પ્રકારના ટેન્ડર, ક્વોટેશન કે કાયદેસરની પ્રક્રિયા વિના બારોબાર એક મળતિયા કંપનીને જમીન આપી તેને પ્લાસ્ટિકનો કચરો આપવાની દરખાસ્ત છે. જેમાં દૈનિક ૧૦૦ કિલો પ્લાસ્ટિક પ્રોસેસ કરીને તેનું વેચાણ કરશે, જેમાંથી જે દૈનિક લાખો રૂપિયાની કમાણી કરશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જમીન આપશે અને સાથે તેને પ્લાસ્ટિકનો કચરો આપશે, જે બેઠા-બેઠા પ્રોસેસ કરી તેમાંથી વિવિધ મટીરિયલ વેચાણ કરી નફો રળશે. આ પ્રકારની કામગીરી કરાવવા માટે સત્તાવાર ટેન્ડર બહાર પાડવું જોઈએ. જેમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને નફાની રકમમાં રેવન્યુ શેરિંગ અને રોયલ્ટી ચૂકવવાની શરત અનિવાર્ય હોવી જોઈએ. આ માત્ર મળતિયા કંપનીને કોઈ ટેન્ડર વિના જ પ્રયોગના નામે પહેલાં છ મહિના પછી બારોબાર પાંચ વર્ષ માટે કામ આપવાની દરખાસ્ત છે. આ પહેલાં પણ આ પ્રકારે એક નેપ્રા નામની કંપનીને કામ આપવામાં આવ્યું હતું, જેથી આ પ્રકારની ગેરરીતિ ખુલ્લેઆમ કરવાને બદલે પ્રજાને સુખાકારીમાં ફાયદો થાય અને મ્યુનિ.ની આવકમાં વધારો થાય તેવા ટેન્ડર તૈયાર કરવા જોઈએ. જો આ દરખાસ્ત મંજૂર કરાશે તો નાછૂટકે આ અંગે અમારે ચીફ વિજિલન્સ ઓફિસર ગુજરાતને ટેન્ડર વિના કામ આપવાની નીતિ સામે ફરિયાદ કરવાની નોબત આવશે, તેવી કોંગ્રેસ ચીમકી ઉચ્ચારી છે.