(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૮
અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં દબાણ હટાવવાની પ્રક્રિયાના મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઇકોર્ટમાં બાંહેધરી આપી છે કે તે આગામી સુનાવણી સુધી આ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરશે નહીં. આ કેસની વધુ સુનાવણી ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ હાથ ધરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ૧લી અને ૨જી જાન્યુઆરીએ દુકાનો અને ઘર તોડયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પગલાની સામે પીડિતો એ હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજદાર ની રજૂઆત હતી કે તેઓ છેલ્લા સિત્તેર વર્ષથી આ જગ્યા પર રહે છે. જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈપણ નોટિસ વગર આ વિસ્તારમાં દુકાનો અને ઘર તોડ્યા છે. અરજદાર સમયસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વેરો ભરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પગલાં સામે સ્ટે આપો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ કામગીરી કરતા પહેલા વૈકલ્પિક સુવિધા આપવી જોઈએ. કેસની વિગત જોઈએ તો વર્ષ ૨૦૧૨માં અને વર્ષ ૨૦૧૭માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ મિલકત તોડવા માટે નોટિસ આપી હતી. જોકે સ્થાનિક લોકોની રજૂઆત બાદ કોઈપણ પગલાં લેવામાં આવ્યા ન હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સારંગપુર બ્રિજ થી કાલીન્દ્રી મસ્જિદ સુધી રસ્તો પહોળો કરવા માટે આ મિલકતને તોડવા નોટિસ આપી હતી.