અમદાવાદ, તા.૬
અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટયો છે. પરંતુ બાંધકામ થતાં સમયે આંખ આડા કાન કરનાર અમુક મ્યુનિ. અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા નાના બાંધકામ તોડી ખોટી પ્રસિદ્ધિ મેળવે છે જ્યારે મોટા વધારે ક્ષેત્રફળવાળા ગેરકાયદેસર બાંધકામો તોડવા બાબતે કોર્ટ મેટર, પોલીસ બંદોબસ્ત ન મળવો જેવા બહાના ઊભા કરી તેને બચાવી લઈ મોટો આર્થિક લાભ લેતા હોય છે. આથી ગેરકાયદેસર બાંધકામો તોડવા અંગે એકસમાન ચોક્કસ નીતિ નક્કી કરવા મ્યુનિ. વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી માગણી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, શહેરમાં ગેરકાયદે બાંધકામો બે-રોકટોક ચાલી રહ્યા છે. તેને કારણે સમગ્ર શહેરમાં ટ્રાફિકજામની સમસ્યાનું સર્જન થયું છે. તમામ ઝોનમાં અનેક બાંધકામો પ્લાન મંજૂરી વગર બની ગયા છે. અમુક બાંધકામો બી.યુ. પરમીશન આપ્યા બાદ તેમાં ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવેલ છે. તેમાં ખાસ કરીને અમદાવાદ શહેરના મુખ્ય રસ્તા પર આવેલ કોમર્શિયલ કોમ્પલેક્ષના પાર્કિંગની જગ્યામાં દુકાનો અથવા શેડ બનાવી દીધા હોવાથી આવનાર ગ્રાહકો તથા મુલાકાતીઓ તેમના વાહનો રોડ પર પાર્ક કરે છે જેને કારણે શહેરના વિવિધ મુખ્ય રસ્તા પર ટ્રાફિકજામની સમસ્યા ઊભી થવા પામેલ છે. આ તમામ બાબતે તંત્ર અને તંત્રમાં બેઠેલા અમુક અધિકારીઓ તેમજ રાજકીય હોદ્દેદારો/આગેવાનોની મિલીભગતને કારણે શહેરમાં દિન-પ્રતિદિન ગેરકાયદેસર બાંધકામ વધતાં જાય છે. તંત્ર દ્વારા તમામ ઝોનમાં કોઈ ચોક્કસ સમાન નીતિ નહીં હોવાને કારણે આગામી સમયમાં ટ્રાફિકજામની સમસ્યા વધુ વકરશે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, ગેરકાયદે બાંધકામો શરૂઆતથી જ કેમ રોકવામાં આવતાં નથી ? ગેરકાયદેસર બાંધકામ બંધાઈ જાય પછી તોડવા જાય ત્યારે પોલીસ રક્ષણ, મોટો કાફલો, મોંઘી મશીનરી, તેમાંય પાછો ઘણીવાર અમલ મોકૂફ રાખવામાં આવે આ તમામ બાબતોથી મ્યુનિ. કોર્પો.ને મોટું નાણાંકીય નુકસાન પણ થાય છે. હાલમાં મ્યુ. તંત્ર દ્વારા સત્તાધારી પક્ષના ઈશારે અમુક ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા અને સીલ મારવા અને પોતાના કાર્યકરને બચાવવા અમલ મોકૂફ રખાવવા રાજકીય દબાણને વશ થઈ તેના હાથા બની કામ કરે તે કાયદાના ભંગ સમાન છે. ગેરકાયદેસર બાંધકામો તોડવા બાંધકામોના ક્ષેત્રફળ તથા ઉપયોગના આધારે તેને તોડવાની ઝોન વાઈઝ પ્રાયોરિટી નક્કી કરવી જોઈએ તેમજ તેને તોડવાની કાર્યવાહી બાબતે સમગ્ર શહેરમાં ચોક્કસ ધારાધોરણવાળી એકસમાન નીતિ બનાવી તેનો અમલ કરવા માગણી છે.