અમદાવાદ, તા.ર૪
મ્યુનિસિપલ કોર્પોરેશનની શહેરભરમાં અંદાજે રૂ. પાંચ હજાર કરોડની મિલકતો છે. અનેક જગ્યાએ સોનાની લગડી જેવા પ્લોટ છે તો ભાડે અપાયેલી મિલકત પણ છે, જોકે હજુ સુધી તંત્ર દ્વારા પ્લોટ સહિતની મિલકતોની માહિતીનું સુવ્યવસ્થિત સંકલન કરાયું નથી. અલબત્ત, ભાજપના નવા શાસકોએ ઠેર ઠેર આવેલી તમામ મિલકતોને લગતી વિશેષ એસ્ટેટ પોલિસી ઘડી કાઢવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. અત્યાર સુધી મ્યુનિસિપલ પ્લોટમાં અંધેરગર્દી ચાલતી રહી છે. મ્યુનિસિપલ માલિકીનો કયો પ્લોટ કેટલા ક્ષેત્રફળનો છે, કેવા પ્રકારનો દબાણગ્રસ્ત છે, પ્લોટ ખુલ્લો છે કે તેની ફરતે ફેન્સિંગ કે કમ્પાઉન્ડ વોલ કરાઈ છે કે કેમ ? વગેરે બાબતોને અનેક વાર શોધવી પડકારરૂપ બની છે. હમણાંથી પાર્કિંગનો મુદ્દો ખૂબ ચગ્યો છે. આ સંજોગોમાં ટીપી સ્કીમમાં મળેલી સોનાની લગડી જેવી કપાતની જમીનનો હેતુ પણ જાણવો ખૂબ અગત્યનો બન્યો છે. હાઈકોર્ટના આદેશના પગલે વહીવટીતંત્ર અને શાસક પક્ષમાં ટ્રાફિકના મામલે જાગૃતિ આવી છે. નાગરિકોને પાર્કિંગ માટે વધુ ને વધુ પ્લોટ ફાળવવાની દિશામાં કવાયત શરૂ કરાઈ છે એટલે મ્યુનિસિપલ પ્લોટની સઘળી માહિતી અપડેટ હોવી જરૂરી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ કહે છે કે, ”હાલમાં એસ્ટેટ વિભાગ દ્વારા પ્લોટ અને મિલકતોનો સર્વે ચાલી રહ્યો છે. તેના આધારે સોફ્ટવેર તૈયાર કરીને એસ્ટેટ પોલિસી ઘડી કઢાશે.”