અમદાવાદ, તા.૮
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિભાગોમાં કામગીરી કરવા આઉટ સોર્સિંગ એજન્સીઓને કામગીરી સોંપી કોન્ટ્રાક્ટથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા મ્યુનિ. સાથે થયેલા કરાર મુજબ પગાર ન ચૂકવી કે સમયસર પગાર ન ચૂકવી મસમોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાની ફરિયાદ મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ એવા નર્સિંગ સ્ટાફને પગાર કાપવાનો નિર્ણય (જે પાછળથી પરત ખેંચાયો હતો) ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક ગણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી જોહર વોહરાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, મ્યુનિ. ખાતે આઉટ સોર્સિંગ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા નિયમોનો અમલ કરવામાં આવતો નથી. આ અંગે જવાબદાર અધિકારી તેમજ સંલગ્ન વિભાગમાં અગાઉ આધાર પુરાવા સાથે ફરિયાદ કરી હોવા છતાં કોના ઈશારે કૌભાંડ કરવાની હિંમત ધરાવે છે તે પ્રશ્ન છે. તેમણે વધુમાં ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, રાજદીપ એન્ટરપ્રાઈસ નામની આઉટ સોર્સિંગ કોન્ટ્રાક્ટ એજન્સીનું વી.એસ. હોસ્પિટલમાં અંદાજે રૂા.૪ કરોડ કરતા વધુનું ડુપ્લીકેટ રશીદ કૌભાંડ હમે બહાર લાવ્યા હતા તેની તપાસ થયા બાદ પોલીસ ફરિયાદ થઈ છે. જ્યારે કોલમ એન્ટરપ્રાઈસ નામની આઉટ સોર્સિંગ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કર્મચારીઓને મ્યુનિ. એગ્રીમેન્ટ કરતા ઓછું વેતન (પગાર) ચૂકવણી કરવી તેમજ સમયસર વેતન (પગાર) ચૂકવણી થતી નથી તે બાબતે આધાર પુરાવા સાથે અમે ફરિયાદ કરેલ છે. મ્યુનિ. દ્વારા જે કોઈપણ વિભાગમાં આઉટ સોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ મુજબ એજન્સીઓને કામગીરી સોંપેલ છે તે એજન્સીઓની કામગીરી તથા વેતન ચૂકવણીની વિગતોની તાકીદે ચકાસણી કરવામાં આવે તો ઘણી બધી હકીકત બહાર આવવાની શક્યતા છે. આથી તાકીદે જવાબદાર અધિકારીઓ સામે નીતિ નિયમ કાયદાકીય કાર્યવાહી મુજબ સજા કરીને કર્મચારીઓને ન્યાય આપવામાં આવે એવી તેમણે માગણી કરી છે.