અમદાવાદ, તા.૨૩
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી હદમાં બોપલનો સમાવેશ થયા બાદ એએમસીએ બોપલ જીઈબી સ્ટેશનની નજીક આવેલ કચરાના ડુંગરને આ વર્ષના અંત સુધીમાં દૂર કરવાનું નક્કી કર્યું છે. કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તાર વ્યવસાયીક શક્યતાઓ ધરાવે છે. ૬ એકરનો આ પ્લોટ ૧૦૦થી ૧૫૦ કરોડ જેટલી માતબર રકમ કોર્પોરેશનને અપાવી શકે છે. કેમ કે અહીં નજીકમાં જ ઇસરોનું ગેસ્ટ હાઉસ, અનેક રેસિડેન્શિયલ કોલોની અને સ્કૂલ આવેલી છે. આ કારણે કોર્પોરેશને નિર્ણય લીધો છે કે આ જગ્યાએ રહેલા ૩ લાખ ટન કચરાને દૂર કરીને પ્લોટને કચરા મુક્ત કરવામાં આવશે. આ માટે કોર્પોરેશન બાયો માઇનિંગ પ્રોજેક્ટ અંતર્ગત તમામ કચરાનો નિકાલ કરશે. આગામી ૧૫ દિવસમાં જ આ જગ્યાને સમતળ કરી દેવામાં આવશે જેથી પ્રોજેક્ટ શરું કરી શકાય અને જલ્દીથી કચરાના ઢગલાને દૂર કરી શકાય. કચરાનો ડુંગર દૂર થતા જ આ વિસ્તારમાં જમીનના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ જગ્યાએ ૩ ટ્રોમેલ મશિનનો ઉપયોગ કરવાની વિચારણા કરી રહી છે. જેથી આગામી વર્ષના પ્રારંભ સુધીમાં બોપલમાં આવેલ આ કચરાનો ડુંગર સંપૂર્ણપણે નિકાલ કરી શકાશે. મહત્વનું છે કે આ ડમ્પિંગ યાર્ડમાં આજુબાજુના વિસ્તારમાંથી સતત કચરો ઠલવાતો હોવાથી કચરાનો ડુંગર ૮ ફૂટ જેટલો ઉંચો બની ગયો હતો. જોકે થોડા મહિના પહેલા અહીં કચરાનું રિસાયકલિંગ અને નિકલ કરવા માટે એક ટ્રોમેલ મશીન મુકવામાં આવ્યું હતું જેની મદદથી આ ડુંગરને ૮ ફૂટથી ૪ ફૂટ સુધી લાવવામાં સફળતા મળી છે.
મ્યુનિ.માં સમાવેશ થતાં વર્ષના અંત સુધીમાં કચરો દૂર કરાશે બોપલનો કચરાનો ડુંગર દૂર થતાં મ્યુનિ.ને રૂા.૧૫૦ કરોડ મળી શકે કચરાનો ડુંગર દૂર થતાં જમીનના ભાવમાં પણ વધારો થશે

Recent Comments