નવા સ્ટ્રેનના ફફડાટ વચ્ચે કોરોનાની રસી વિકસાવી રહેલા શાહીને વિશ્વ માટે રાહતના સમાચાર આપ્યા

(એજન્સી) તા.૨૨
જર્મનીની કંપની બાયોએનટેકના સહસ્થાપક ઉગર શાહીને જણાવ્યું હતું કે, તેમને આશા છે કે, મ્યૂટેશનને ખત્મ કરનારી રસી છ સપ્તાહમાં વિકસાવી લેવાશે. તેમનુું આ નિવેદન શાહીનના એ નિવેદનના એક દિવસ બાદ આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની કંપની દ્વારા વિકસાવવામાં આવી રહેલી રસી કોરોનાના નવા સ્ટ્રેન સામે પણ અસરકારક હશે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાના નવા સ્ટ્રેનને પગલે બ્રિટન સહિત વિશ્વભરમાં ફફડાટ વ્યાપી ગયો છે. શાહીને જણાવ્યું હતું કે, કોરોનાની આ રસી એવી રીતે બનાવવામાં આવી છે કે, તે વાયરસના નવા પ્રકાર પર પણ નિયંત્રણ મેળવી શકશે. જો જરૂર પડશે તો અમે ટેકનીકલ રીતે છ સપ્તાહમાં આ રસી બનાવવા સક્ષમ છે. તેમણે જણાવ્યું હતું કે, બ્રિટનમાં વાયરસનું જે સ્વરૂપ જોવા મળ્યું છે, તે ૯ મ્યુટેશન છે. જે સામાન્ય રીતે માત્ર એક મ્યુટેશન હોય છે. ફાઈઝરની સાથે મળી વિકસિત કરવામાં આવી રહેલી વેક્સીન અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ રસી અસરકારક હશે. કેમ કે, તેમાં ૧૦૦૦થી વધુ એમીનો એસિડ હાજર છે અને તેમાંથી માત્ર નવમાં બદલાવ થયો છે. જેનો અર્થ છે કે, ૯૯ ટકા પ્રોટીન હજુ પણ સમાન છે. બાયોએનટેકના સહસ્થાપક શાહીને જણાવ્યું હતું કે,વાયરસના નવા સ્ટ્રેન અંગે પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી બે સપ્તાહમાં પરિણામો સામે આવી જવાની શકયતા છે. તેમણે જણાવ્યું હતું કે, અમને વૈજ્ઞાનિક રીતે આશા છે કે, આ રસી કોરોનાના નવા સ્ટ્રેન સામે રક્ષણ આપશે. જો કે પ્રયોગ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે કે, આ રસી કેટલી કારગત નિવડશે. અમે વહેલામાં વહેલી તકે આંકડા પ્રાપ્ત કરી લઈશું અને તેને સાર્વજનિક કરીશું.