(એજન્સી) ભોપાલ, તા.૧૧
મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ રાજકારણ ગરમાયું છે. સિંધિયાના રાજીનામા બાદ તેમનું સમર્થન કરી રહેલા ૨૨ ધારાસભ્યો હાલ બેંગ્લુરૂની હોટલમાં છે. કોંગ્રેસે આ ધારાસભ્યોને મનાવવા માટે વરિષ્ઠ નેતા સજ્જનસિંહ વર્માને બેંગ્લુરૂ મોકલ્યા હતા અને હવે વર્માએ ભોપાલ પરત ફર્યા બાદ દાવો કર્યો છે કે, એકપણ ધારાસભ્ય સિંધિયાની સાથે નથી.
તેમણે જણાવ્યું કે, કોઈપણ ધારાસભ્ય સિંધિયાજીની સાથે નથી. તમામ સિંધિયાના પગલાથી નારાજ છે. તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા અને બેંગ્લુરૂ લઈ જવામાં આવ્યા. મોટા ભાગના ધારાસભ્યોએ જણાવ્યું છે કે, તેઓ ભાજપમાં સામેલ થવા માટે તૈયાર નથી.
સજ્જનસિંહ વર્માએ વધુમાં જણાવ્યું કે, હું સવારે જ બેંગ્લુરૂથી પરત ફર્યો છું. હાલ તમામ ધારાસભ્યોને લઈને જયપુર જઈ રહ્યો છું. ત્યારબાદ ફરીથી બેંગ્લુરૂ જઈશ. બેંગ્લુરૂમાં ડી.કે.શિવકુમાર પણ હાજર છે અને સ્થિતિ સંભાળી રહ્યા છે.