(એજન્સી) ભોપાલ, તા.૧૧
મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જેને કારણે હવે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર સંકટમાં આવી ગઈ છે. જો કે દિગ્વિજય સિંહે જણાવ્યું છે કે, કમલનાથની સરકાર સલામત છે. ફ્લોર ટેસ્ટના પરિણામ બધાને ચોંકાવી દે તેવા આવશે. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે જણાવ્યું છે કે, જે દિવસે પણ ફ્લોર ટેસ્ટ થશે તેના પરિણામ બધાને ચોંકાવી દેશે. દિગ્વિજય સિંહે કમલનાથની પ્રશંસા કરતા જણાવ્યું કે, આવી પરિસ્થિતિમાં જે રીતે તે ધૈર્ય સાથે કામ કરી રહ્યા છે, હું તેની પ્રશંસા કરું છું. સિંધિયાને આડેહાથ લેતા દિગ્વિજય સિંહે જણાવ્યું કે, તેમને અમિત શાહ કે પછી નિર્મલા સીતારમણની જગ્યા આપવી જોઈએ, તેઓ હાલ આ બંનેથી સારું કામ કરી શકે છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ મોદી-શાહના ટેકાથી આગળ વધશે. આપણે મહારાજાને શુભેચ્છા પાઠવવી જોઈએ.
બહુમતી સાબિત કરી દઈશું : કમલનાથનો દાવો
મધ્યપ્રદેશના રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી કમલનાથે દાવો કર્યો છે કે, તેઓ બહુમતી સાબિત કરી જ દેશે. કોંગ્રેસ ધારાસભ્ય પક્ષની બેઠક પછી કમલનાથે કહ્યું છે કે, જે ધારાસભ્યો ગયા છે અમે તેમના સંપર્કમાં છીએ. આપણી સરકાર સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે.