(એજન્સી)                                                                             તા.૨૬

એક અઠવાડિયામાં મ.પ્ર.માં કોંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં પક્ષાંતર કરી ગયાં બાદ ૧૯, જુલાઇએ મ.પ્ર.ના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથના ભોપાલ સ્થિત નિવાસસ્થાને તમામ કોગ્રેસી ધારાસભ્યોને એવા શપથ લેવડાવ્યાં હતાં કે અમે શપથ લઇએ છીએ કે કોઇ પણ ધારાસભ્ય પક્ષ છોડીને જશે નહીં. પરંતુ શપથ લેવાની આ રીતે પણ કારગર સાબિત થઇ નહીં અને માત્ર ચાર દિવસની અંદર જ એક વધુ કોંગ્રેસી ધારાસભ્ય પક્ષમામાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયાં. આ વખતે મંધાતાના ધારાસભ્ય નારાયણ પટેલનો વારો હતો. આ રીતે રાજ્યમાં જ્યોતિરાદિત્ય સિંધીયાની બગાવત બાદ શરૂ થયેલ ધારાસભ્યોની તોડફોડનો સીલસીલો હજુ પણ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચમાં સિંધીયા સમર્થક છ પ્રધાનો સહિત ૨૨ કોંગ્રેસી ધારાસભ્યોએ પક્ષ અને ધારાસભ્યપદ છોડીને ભાજપનું સભ્યપદ લીધું હતું આ રીતે માર્ચથી અત્યાર સુધીમાં કોંગ્રેસના કુલ ૨૫ ધારાસભ્યો પક્ષ સામે બળવો કરીને ભાજપની છાવણીમાં ચાલ્યાં ગયાં છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે બહુમતની નજીક હોવા છતાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને શા માટે ખેરવી રહ્યો છે ?       આ અંગે કોંગ્રેસના પ્રવક્તા રવિ સકસેનાનું કહેવું છે કે સિંધીયા પર નિર્ભર શિવરાજસિંહ સરકાર હવે આત્મનિર્ભર બનવા ઇચ્છે છે કે જેને લઇને ફરીથી તેને કોંગ્રેસના ધારાસભ્યો તોડવાની જરૂર પડી છે અને તેની પાછળ પણ વિધાનસભાનું અંકગણિત છે.સિંધીયાના દબાણને કારણે શિવરાજસિંહ અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વને ઝૂકવું પડ્યું છે જે ભાજપને ખૂબજ ખટકી રહ્યું છે. આથી ભાજપે મ.પ્ર. સરકારમાં સિંધીયાની દખલગિરી ઘટાડવા માટે એ ફોર્મ્યુલા અમલી બનાવી છે કે તે કોંગ્રેસના વધુ કેટલાક ધારાસભ્યોને તોડે અને પછી આ સિંધીયાના સમર્થક નથી એવા ધારાસભ્યોને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડાવીને જીતાડે.

આમ આ રીતે બહુમતી મેળવ્યાં બાદ ભાજપ સિંધીયાના દબાણથી મુક્ત પણ થઇ જશેે. ભાજપનો દાવો છે કે હજુ પણ કેટલાય કોંગ્રેસી ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવશે. ભાજપ એટલા માટે એક તીરથી અનેક નિશાન પાડવા માગે છે. પહેલા તો સરકાર પર સિંધીયાનું દબાણ ઓછુ થઇ જશે. બીજુ સિંધીયાની મનમાનીને બ્રેક લાગશે. ત્રીજુ સરકાર પણ સુરક્ષીત થશે અને ચોથું કોંગ્રેસ પણ નબળી પડશે અને ચૂંટણી આવતાં સુધીમાં તેનું મનોબળ તૂટી જશે.