(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
મહારાજા સયાજીરાવ યુનિર્વસીટીની હેડ ઓફીસ ખાતે છેલ્લા ચાર-પાંચ દિવસની ધક્કા ખાઇ રહેલા માથાભારે ફાઇન આર્ટસના પૂર્વ વિદ્યાર્થી તથા હિન્દુ-દેવી-દેવતાઓની વિવાદાસ્પદ ચિત્રો બનાવવાના વિવાદમાં જેલની હવા ખાઇ ચુકેલા વિદ્યાર્થીએ વાઇસ ચાન્સેલર પરીમલ વ્યાસની ઓફીસમાં પેટ્રોલ છાંટી આગ લગાવી દેતાં અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર વર્ષ ૨૦૦૭માં ફાઇન આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થી ચંદ્રમોહને હિન્દુ દેવી-દેવતાઓના વિવાદાસ્પદ ચિત્રો બનાવી પ્રદર્શન અર્થે મુકતા ભારે વિવાદ સર્જાયો હતો. ચંદ્રમોહન સામે પોલીસ ફરિયાદ દાખલ થતાં તે સમયે પોલીસે તેની ધરપકડ કરી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ચંદ્રમોહન યુનિ.હેડ ઓફીસે કામ અર્થે ધક્કા ખાઇ રહ્યો હતો. પરંતુ તેનું કામ નહીં થતાં આજે ચંદ્રમોહન પોતાની સાથે બે બોટલોમાં પેટ્રોલ તથા નકલી પીસ્તોલ લઇને આવ્યો હતો તથા વાઇસ ચાન્સેલર ઓફીસે ધસી જઇ પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા ઓફીસમાં આગ લાગી ગઇ હતી. બૂમાબૂમ તથા આગ જોતાં કર્મચારીઓ બહાર દોડી આવ્યાં હતાં. જોકે વાઇસ ચાન્સેલર બહાર ગયા હોવાથી તેમનો બચાવ થયો હતો. દોડી આવેલા સિક્યુરીટી જવાનોએ માથાભારે ચંદ્રમોહનને ઝડપી પાડયો હતો. તથા ફાયર બ્રિગેડની મદદથી ફાયર સેફટી સાધનો સાથે આગને બુજાવી હતી. આગમાં ઓફિસની ફાઇલો તથા ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું. સયાજીગંજ પોલીસે ચંદ્રમોહનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.