લદ્દાખમાં ચીનની સેના સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતીય સેનાના કર્નલ ઉપરાંત બે જવાન શહીદ થયા છે. ચીન સાથે તંગદિલી વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું છે કે, યથાસ્થિતિ બદલવાના ચીનના એકતરફી પ્રયાસને કારણે હિંસક અથડામણ થઇ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, નુકસાનને ટાળી શકાયું હોત. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, તંગદિલી ઘટાડવા માટે વાતચીત ચાલુ છે. અથડામણમાં બંને પક્ષોને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે ચીને એકમેકની સહમતીનું સન્માન નથી કર્યું. અમે શાંતિ માટે પ્રતિબદ્ધ છીએ પરંતુ અમારૂં સાર્વભૌમત્વ જાળવી રાખીશું. વિદેશ મંત્રાલયે કહ્યું કે, જો ઉચ્ચ સ્તરે ચીન દ્વારા સતર્કતાપૂર્ણ વલણ અપનાવાયું હોત તો બંને પક્ષો તરફથી નુકસાન થયું ન હોત. ૧૫મી જૂનની મોડી સાંજ અને રાતે યથાસ્થિતિમાં પરિવર્તન કરવાના ચીનના એકતરફી પ્રયાસને પગલે હિંસક અથડામણ થઇ હતી. બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, જો ભારત એકતરફી પગલું ભરશે તો આ પ્રકારની મુશ્કેલીઓનો સામે આવશે.