ભાવનગર,તા.૯
ભાવનગર નજીકના વિશ્વ વિખ્યાત અલંગ શીપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૭૬ (શીપ ટ્રેડર્સ કોર્પોરેશન)માં ભાંગવા માટે આવેલું શીપ ‘ઓએસીસ-૩’ ભાવનગર એંકરેજ ખાતે આવી પહોંચ્યું હતું. આ જહાજના કેપ્ટનને અગાઉ જાહેર કર્યા મુજબ તેઓ શીપ અંતિમ પોર્ટ યમનથી ગત તા.ર૪મી ફેબ્રુઆરીના રોજ અલંગ આવવા નીકળ્યું હતું અને આંતરરાષ્ટ્રીય જળ સીમામાં આ જહાજ હતું તે વેળાએ ગત તા.ર૧મી માર્ચના રોજ બે ક્રુ મેમ્બરો વચ્ચે કોઈ બાબતે લડાઈ ઝઘડો થતા જહાજના રસોઈયા અને યમનના નાગરિક અબ્દુલ હકીમ મોહસીનની અન્ય ત્રણ ક્રુ મેમ્બરો દ્વારા છરી વડે હુમલો કરી હત્યા કરી નાખવામાં આવી હતી. જે તે વેળાએ આરોપીને કેદ કરવામાં આવ્યો હતો અને લાશને ડીપ ફ્રિઝમાં રાખી હોવાનું જહાજના કેપ્ટન મોહંમદ દાયેદ દ્વારા સંબંધિત સરકારી એજન્સીઓ, ભારતમાં યમનના રાજદૂત સમક્ષ ઘોષીત કરવામાં આવ્યું છે. ગત રવિવારે આ જહાજ ભાવનગર એંકરેજ ખાતે આવી પહોંચ્યું છે પરંતુ કસ્ટમ બોડિંગ હજુ બાકી છે. બાદમાં આ સમગ્ર બનાવની ભાવનગર મરીન પોલીસ તપાસ કરશે. તેમ જાણવા મળી રહ્યું છે. મરીન પોલીસના પી.એસ.આઈ. એન.એમ. મંડેરાએ જણાવ્યું હતું કે, આ જહાજમાં હત્યાનો બનાવ એ આંતરરાષ્ટ્રીય જળ સીમામાં બન્યો છે. મરણ જનાર અને મારનાર વિદેશી છે માત્ર જહાજ ભાવનગર ખાતે આવ્યું છે. આ બનાવ અંગે શું કાર્યવાહી થઈ શકે તે અંગે હજુ ચર્ચા વિચારણા સરકારમાં ચાલી રહી છે. સંબંધિત નિર્ણયની હજી રાહ જોવામાં આવી રહી છે.