(એજન્સી)                              તા.૪

યમનના સાંસ્કૃતિક મંત્રી મરવાન દમ્માજે એ વાત પર ભાર મૂક્યો હતો કે, યુદ્ધગ્રસ્ત દેશમાં આર્કિયોલોજિકલ સાઈટ્‌સ પર હુમલાઓ બંધ થાય તેવા ઉદ્દેશ્ય સાથે જરૂરી પગલાં ભરવાની જરૂર છે.

દમ્માજે આ ટિપ્પણી એવા સમયે કરી હતી જ્યારે અલ વાદી અને અલ જોબા જિલ્લામાં આવેલા પુરાતત્વીય સ્થળોનું ડિરેક્ટર ઓફ કલ્ચર એન્ડ ટુરિઝમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ માહિતી ખુદ સ્ટેટ ન્યૂઝ એજન્સી સબા ન્યૂએ આપી હતી. મંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે આ પુરાતત્વીય સ્થળો ખરેખર તો દેશ માટે ખજાનાથી ઓછા નથી. જોકે આ દરમિયાન આ સ્થળોને લૂંટવામાં આવી રહ્યાં છે અને ત્યાંની કળાની દાણચોરી કરવામાં આવી રહી છે. દમ્માજે વધુમાં કહ્યું હતું કે મંત્રાલય એક સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના કરવાની યોજના પર કામ કરી રહ્યું છે અને તેની સાથે જ તમામ કલાકૃતિઓના સંરક્ષણ માટે એક મ્યુઝિયમની સ્થાપના કરવાની યોજના પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે યમનને જે અત્યાર સુધી ગૃહયુદ્ધને કારણે નુકસાન થયું છે તેની આંતરરાષ્ટ્રીય સમુદાયને નોંધ જ લીધી નથી. જોકે યમનમાં અસંખ્ય પુરાતત્વીય સ્થળો આવેલા છે. તેના અર્થતંત્રમાં આ પુરાતત્વીય સ્થળોનો મોટો ફાળો રહે છે.