(એજન્સી) તા.૩
યમનની એક અદાલતે દહયાન વિદ્યાર્થી બસ પર અરબ ગઠબંધન દ્વારા કરાયેલા બોમ્બ ધડાકાના કેસમાં દસ આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે, આ સજાની જાહેરાતમાં સઉદી રાજા, તેમનો ક્રાઉન પ્રિન્સ અને સાથે સાથે અમેરિકા અને યમનના રાષ્ટ્રપતિઓનો પણ સમાવેશ થાય છે. હૌથીની માલિકીવાળી સમાચાર એજન્સી (સાબા)એ બુધવારે અહેવાલ રજૂ કર્યો કે સાદામાં સ્થિત વિશેષ ફોજદારી અદાલતે જજ રિયાદ અલ-રઝામીની અધ્યક્ષતા હેઠળ એક સત્ર યોજયું હતું જેથી માજઝ જિલ્લાના દહયાનમાં જુવાન છોકરાઓથી ભરેલી બસ ઉપર સઉદીની આગેવાની હેઠળના ગઠબંધનના હુમલાના કેસ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે. સાબાએ પુષ્ટિ કરી કે ૧૦ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને મૃત્યુદંડની સજા ફટકારાઈ છે, જેમના નામ નીચે મુજબ છે. સલમાન બિન-અબ્દુલ અઝીઝ અલ-સઉદી, મોહમ્મદ બિન સલમાન, તુર્કી બિન બંદર, ડોનાલ્ડ ટ્રમ્પ, જેમ્સ નોર્મન મેટિસ, નોરટોન શ્વાર્ટઝ, અબ્દરાબુહ મેસૂર હાદી, અલી મોહસેન સાલેહ અલ-એહમર, એહમદ ઉબેદ બિન દધર, મો.અલી અહેમદ અલ મકદાશી ન્યૂઝ એજન્સીએ સંકેત આપ્યો કે પ્રતિવાદીઓએ પીડિતોના પરિવારજનોને ૧૦ અબજ ડોલર દંડ પણ ચૂકવવો પડશે. સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો કે આરોપમાં સામેલ લોકોના અધિકાર અંગે વકીલે ચુકાદાના પાંચમા ફકરામાં તેની આંશિક અપીલ નોંધી છે. તેથી અદાલતે અત્યાર સુધી આ અંગે નિર્ણય લીધો નથી. ખાનગી ફરિયાદી એટર્ની હમદન શાની અને સંરક્ષણ એટર્ની અબ્દુલ વહાબ અલ-ફઝલીએ પોતાના અસીલોના વતી અપીલ કરવાના અધિકાર અનામત રાખ્યો છે.