(એજન્સી) એનાદોલુ, તા.૨૯
યમનની નવી સરકારે શનિવારે સઉદીની રાજધાની રિયાધમાં યેમેનના રાષ્ટ્રપતિ અબ્દ રબ્બુ-મન્સુર હાદીની હાજરીમાં શપથ લીધા હતા. વડાપ્રધાન અબ્દુલ માલિકની આગેવાની હેઠળ રિયાધ સમજૂતિ કરાર જે યમની સરકાર અને યુએઈ સમર્થિત અલગતાવાદી એસટીસી વચ્ચે થયું હતું. એના નેજા હેઠળ કેબિનેટની રચના કરાઈ હતી. યમની સરકારના સૂત્રો મુજબ વડાપ્રધાન અને અન્ય મંત્રીઓએ રિયાધમાં શપથ લીધા હતા. પણ આ શપથ સમારોહમાં સ્થાનિક વહીવટી મંત્રી હુસૈન અલ-અઘબરી સમ્મિલિત થયા ન હતા. એમનું કહેવું હતું કે, શપથ સમારોહ યમનની હંગામી રાજધાની એદેનમાં યોજવામાં આવે. ૧૮મી ડિસેમ્બરે યમનના રાષ્ટ્રપતિ ભવને સત્તાની વહેંચણી ધરાવતી સરકારની જાહેરાત કરી હતી, જે મુજબ ઉત્તર અને દક્ષિણમાંથી ૨૪ મંત્રીઓનો સમાવેશ કરાયો હતો. નવી સરકારમાં પાંચ મંત્રીઓ એસટીસીના હશે. રિયાધ કરાર યમની સરકાર અને એસટીસી વચ્ચે નવેમ્બર ૨૦૧૯ના વર્ષમાં સઉદી ગઠબંધનની આગેવાની હેઠળના કરવામાં આવ્યો હતો. જેમાં બંને તરફથી લશ્કરી સંઘર્ષનો અંત કરવા નિર્ણય લેવાયો હતો. યમન ૨૦૧૪ના વર્ષથી ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યો છે, જ્યારે ઈરાન સમર્થિત હૌથી બળવાખોરોએ યમનના ઘણા પ્રાંતો ઉપર હુમલાઓ કરી કબજો કર્યો હતો. જેમાં રાજધાની સાના પણ સામેલ હતી. યુએનની ઓફિસના જણાવ્યા મુજબ યમનમાં સંઘર્ષ દરમિયાન ૨,૩૩,૦૦૦ લોકોનાં મોત થયા હતા.