હૌથી નેતા અબ્દેલ-મલેક અલ-હૌથીએ ‘તેમના દેશ માટે પત્રકારોને સુરક્ષા દળોના દેશદ્રોહીઓ અને ભાડૂતીઓ કરતાં વધુ જોખમી ગણાવ્યા છે’

૧૫ ઓક્ટોબર, જેલમાં બંધ યમની પત્રકારો અબ્દુલ-ખાલિક અમરાન, અક્રમ અલ-વલિદી, હરેથ હુમેદ અને તૌફિક અલ-મન્સૌરીના પરિવારો માટે ખુશીનો દિવસ માનવામાં આવતો હતો. હૌથી સશસ્ત્ર જૂથ અને યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર વચ્ચે એક કેદી વિનિમયનો સોદો થવાનો હતો, જેમાં એક હજારથી વધુ લોકોને મુક્ત કરવામાં આવવાના હતા.
પરિવારોને વર્ષોથી જુદા પડેલા તેમના પ્રિયજનો સાથે ફરી મળવાની ઇચ્છા હતી અને તેઓને મુક્ત કરેલા કેદીઓમાં જોવાની અપેક્ષા હતી, પરંતુ દિવસના અંત સુધીમાં તેમની આશાઓ નિરાશા અને ભયમાં ફેરવાઈ ગઈ. જુદા જુદા સ્થાનિક માધ્યમો માટે કામ કરનારા ચાર પત્રકારોને ૨૦૧૫થી હૌથી અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે અટકાયતમાં લેવામાં આવ્યા. તે સમયે, હૌથી સશસ્ત્ર જૂથ પત્રકારોને ચૂપ કરવા માટે આક્રમક અભિયાન ચલાવી રહ્યું હતું. ૨૦૧૬માં, હૌથી નેતા અબ્દેલ-મલેક અલ-હૌથીએ એક ટેલિવિઝન ભાષણમાં સ્વતંત્ર મીડિયા પ્રત્યેની પોતાની દુશ્મનાવટ સ્પષ્ટ કરી હતી કે “મીડિયાકર્મીઓ સેનાના સુરક્ષા દળોના દેશદ્રોહીઓ અને ભાડૂતીઓ કરતા વધુ જોખમી છે”. એપ્રિલ ૨૦૨૦માં, સનાની હૌથી-અંકુશિત વિશેષ ક્રિમિનલ કોર્ટે તેમના મીડિયા કામના આધારે, રાજદ્રોહી અને વિદેશો માટે જાસૂસી કરવાના રાજકીય પ્રેરિત આરોપો પરની અન્યાયી સુનાવણી બાદ ચારેયને મોતની સજા સંભળાવી હતી. કોર્ટે સજાને આગળ ધપાવવા માટે કોઈ તારીખનો ઉલ્લેખ કર્યો ન હતો. ભૂતપૂર્વ કેદીઓએ એમ પણ કહ્યું હતું કે તેઓને ડર છે કે હૌથી અધિકારીઓ ટૂંક સમયમાં ચારેય પત્રકારોને ફાંસી આપી શકે છે, કારણ કે તેઓને કેદી વિનિમયમાં સામેલ કરવામાં આવ્યા નથી. યમન અને વિદેશમાં માનવાધિકાર અને મીડિયા સ્વાતંત્ર્ય જૂથો દ્વારા પત્રકારોની સજા પલટાવવા અને તેમને મુક્ત કરવાની અગણિત અપીલ કરવા છતાં હૌથીઓ કૂણા પડ્યા નથી. પત્રકારત્વ એ ક્યારેય ગુનો ન હોવો જોઈએ, મૃત્યુદંડ તો નહીં જ. આ સંભવિત દુર્ઘટનાને રોકવા માટે, યુનાઇટેડ સ્ટેટ્‌સ અને યુરોપિયન દેશો જેવા મુખ્ય આંતરરાષ્ટ્રીય દેશો, તેમજ હૌથીઓ સાથે જોડાયેલા દેશોએ, ચાર પત્રકારોની તાત્કાલિક મુક્તિ માટે દબાણ કરવું જોઈએ. સંઘર્ષના પક્ષોએ પત્રકારોને તેમનો વ્યવસાય મુક્તપણે નિભાવવાની મંજૂરી આપવાની જરૂર છે. યમનની માનવતાવાદી દુર્ઘટના વિનાશક પ્રમાણ સુધી પહોંચી રહી છે અને તેની વિનાશક અસરોનું દસ્તાવેજીકરણ અને માહિતી આપવાનું કામ મીડિયાકર્મીઓનું છે. તે કરવા સમર્થ થવા માટે, તેમની સલામતી અને સુરક્ષાની બાંયધરી આપવાની જરૂર છે. ચાર પત્રકારો વિરુદ્ધ ફાંસીની સજાને પલટાવીને અને તેમને જેલમાંથી મુક્ત કરીને હૌથીઓ યોગ્ય દિશામાં પહેલું પગલું ભરી શકે છે.
– અફરાહ નાસેર
(લેખક હ્યુમન રાઇટ્‌સ વોચમાં યમન સંશોધનકાર છે.)
(સૌ. : અલ-જઝીરા.કોમ)