(એજન્સી) જબલપુર, તા.૧૧
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંતસિંહાએ એકવાર ફરીથી તીવ્ર વલણ અપનાવી દાવો કર્યો છે કે, આજની ભાજપ અટલ બિહારી વાજપેયી તેમજ લાલકૃષ્ણ અડવાણીના સમયમાં હતી તેવી ભાજપ રહી નથી. સિંહાએ જણાવ્યું કે, અડવાણી અને વાજપેયીના કામ કરવાની જે રીત અને શૈલી હતી તે બિલકુલ ભિન્ન હતી. તેમણે કહ્યું કે, ભાજપના બિલકુલ ભિન્ન હતી. તેમણે કહ્યું કે, ભાજપના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ અડવાણીને મળવું હોય તો એક સાધારણ વ્યક્તિને પણ અગાઉથી સમયથી મંજૂરી લેવાની જરૂર પડતી ન હતી, પરંતુ આજે વ્યવસ્થા બદલાઈ ગઈ છે.
સિંહાએ જણાવ્યું કે, તેમણે ૧૩ માસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મુલાકાત માટે સમય માંગ્યો હતો. જે આજ સુધી ફાળવાયો નથી. એમણે કહ્યું કે, મુલાકાત માટે સમય ન અપાયો હોવાથી એમણે સરકારમાં બેસેલ કોઈપણ વ્યક્તિ સાથે વાત નહીં કરવાનો નિર્ણય લીધો છે અને જો વાતચીત થશે તો પણ બંધબારણે નહીં પરંતુ સાર્વજનિક રીતે જ કરવામાં આવશે. સિંહાએ ભાજપ પર આરોપ લગાવ્યો કે, ભારતીય જનતા પાર્ટીએ જ્યારે વિપક્ષમાં રહીને જે મુદ્દાઓનો વિરોધ કર્યો હતો સત્તામાં આવ્યા બાદ એ જ મુદ્દાઓનો અસ્વીકાર કરી રહી છે.
સિંહાએ જણાવ્યું કે, દેશમાં ખેડૂતો તરફ કોઈ ધ્યાન અપાઈ રહ્યું નથી. મધ્યપ્રદેશમાં પણ ખેડૂતોની બદતર હાલત છે. ખેડૂતોને એમના ખેતપેદાશોની યોગ્ય કિંમત અપાવવા માટે મધ્યપ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં જ શરૂ કરાયેલ ભાવાંતર યોજના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાક વીમા યોજનાને સિંહાએ લોલીપોપ સમાન ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંતસિંહાએ કેટલાક દિવસો પહેલાં પટનામાં નોટબંધી અને જીએસટીને સંપૂર્ણ અસફળ ઠેરવતા કહ્યું હતું કે, નોટબંધી બાદ ર૦ લાખ લોકો બેરોજગાર બન્યા છે. હવે સરકાર નોટબંધીને સફળ બતાવવા જૂઠનો આશ્રય લઈ રહી છે. પટનામાં એક કાર્યક્રમ દરમ્યાન સિંહાએ કહ્યું હતું કે, નોટબંધીનો ઉદ્દેશ્ય પૂર્ણ થયો નથી અને કોઈ કાળું નાણું પણ પરત આવ્યું નથી. બલ્કે ૯૯ ટકા કરન્સી પાછી આવી ગઈ છે. એમણે કહ્યું હતું કે, નાણામંત્રી અરૂણ જેટલીએ જીએસટી લાગુ કરતા પહેલાં પોતાના મગજનો ઉપયોગ કર્યો નથી.